![]()
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકા તથા ઇરાન વચ્ચે શાંતિની શક્યતા વધતાં તથા વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધી છે. વિશ્વ બજારમાં સોના- ચાંદીના ભાવ વધતાં ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહેતા દેશના ઝવેરી બજારો ફરી ઉંચા થતા જોવા મળ્યા છે.
દરમિયાન, ક્રૂડ તેલના ભાવ આચકા પચાવી અથડાતા રહ્યા હતા. મુંબઇ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે આજે ડોલરના ભાવ વધ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂા. ૧૫૨૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂા. ૧૫૩૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦૦ ઉછળી રૂા. ૨૫૦૦૦૦ને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૨૦૯થી ૪૨૧૦ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૪૨૪૬ થઇ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૨૧૯થી ૪૨૨૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ઘટી નીચામાં ૯૯.૬૪ થઇ છેલ્લે ૯૯.૮૧ રહ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૭.૧૯થી ૬૭.૨૦ ડોલરવાળા ઉંચામાં ભાવ ૬૮.૩૫ થઇ છેલ્લે ભાવ ૬૮.૦૨થી ૬૮.૦૩ ડોલર રહ્યા હતા.
મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂા. ૫૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂા. ૧૪૭૭૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૪૮૩૦૦ બોલાઇ રહ્યા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ રૂા. ૨૪૨૫૮૨થી વધી રૂા. ૨૪૬૩૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૨૩થી ૧૭૨૪ વાળા જો કે ઘટી નીચામાં ભાવ ૧૬૯૪ થઇ છેલ્લે ભક્ષાવ ૧૭૨૦થી ૧૭૨૧ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઔંસના ૧૩૧૦થી ૧૩૧૧ વાળા નીચામાં ભાવ ૧૨૬૦ થઇ ૧૨૮૫થી ૧૨૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૨.૭૦ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે ફોરેક્સ રિઝર્વ ઘટતાં મુંબઇ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૯૫.૧૧ વાળા વધી રૂા. ૯૫.૧૭થી ૯૫.૧૮ બોલાતા થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ શુક્રવારે ઝડપી તૂટયા પછી હવે નીચા મથાળે બેતરફી વધઘટે અથડાતા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૭.૩૫ ડોલરવાળા નીચામાં ૮૫.૮૦ થઇ ૮૭.૩૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૪.૪૧ વાળા નીચામાં ભાવ ૮૩.૨૦ થઇ છેલ્લે ભાવ ૮૪.૮૮ ડોલર રહ્યાના સમાચાર હતા.
અમેરિકામાં ફુગાવો વધતાં ત્યાં હવે વ્યાજના દરમાં વૃદ્ધી થવાની શક્યતા વધતાં વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ આગળ ઉપર ફરી વધવાની થતા વૈશ્વિક સોનાના ભાવ નીચા ઉતદરવાની ગણતરી વિશ્વ બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા. અમેરિકામાં ૧૬ તથા ૧૭ જૂને (મંગળવાર તથા બુધવારે) મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર હવે વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.















