Gir Jungle Safari Extended: સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ છે, ત્યારે સાસણ ગીરના પ્રવાસે જતાં મુલાકાતીઓ આગામી 22 જૂન સુધી સિંહ દર્શનનો લ્હાવો લઈ શકશે. વન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂનથી સાસણ સફારી પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે.

ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ
વન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું મોડું હોવાના કારણે સાસણ ગીરમાં સિંહોનું વેકેશન થોડું મોડું શરૂ થશે. જેથી ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવવામાં આવી છે.
સાસણના DCF અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું કે, ‘દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓ 22 જૂન સુધી ગીરના જંગલોમાં સફારીની મજા માણી શકશે. આમ, 22 જૂન એ આ સિઝનની અંતિમ સફારી રહેશે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, વેકેશનના સમયગાળામાં લોકો ગીર જંગલ સફારીની મુલાકાતે જતાં હોય છે. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે, ત્યારે આ વર્ષે અંદાજે બે લાખથી વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા. આમ, સિંહને લાઇવ જોવા ઇચ્છતા લોકો હજુ 22 જૂન સુધી સાસણ ગીરની મુલાકાત લઈને સિંહ દર્શનનો લ્હાવો લઈ શકે છે.















