Vadodara News: વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ યોજના હેઠળ મહીસાગર નદીના પાણીના ભાવનો વિવાદ આખરે ઉકેલાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચીફ સેક્રેટરી, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સિંચાઈ વિભાગના અધિકારીઓની મળેલી બેઠકમાં ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. આ સમાધાન અંતર્ગત વર્ષ 2025 સુધીના કુલ ₹5,233 કરોડના તોતિંગ બિલમાંથી ₹4,193 કરોડની પેનલ્ટી અને વ્યાજ માફ કરવામાં આવ્યું છે, જ્યારે કોર્પોરેશને ₹1,039 કરોડની મૂળ રકમ ચૂકવવી પડશે.
દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું બિલ આવશે
આ સમાધાનના કારણે વડોદરાના નાગરિકોના વેરામાંથી ₹1,039 કરોડની મોટી રકમ ભરપાઈ કરવી પડશે. આ ઉપરાંત, વર્ષ 2022ની ફોર્મ્યુલા મુજબ હવે કોર્પોરેશને ₹5.05 પ્રતિ 1,000 લીટરના નવા ભાવે પાણીનું બિલ ચૂકવવું પડશે. આ નવા દરના કારણે કોર્પોરેશનને અત્યાર સુધી જે માસિક બિલ અંદાજે ₹5 લાખ આવતું હતું, તે વધીને હવે દર મહિને ₹4 થી ₹5 કરોડ થઈ જશે. આમ, વડોદરા કોર્પોરેશનને દર વર્ષે અંદાજે ₹60 કરોડનું પાણીનું બિલ ચૂકવવું પડશે અને જો સમયસર ચૂકવણી નહીં થાય તો ફરી વ્યાજ-પેનલ્ટી લાગશે.
₹165 કરોડ તાત્કાલિક ચૂકવવા પડશે
નવા ભાવનો અમલ તારીખ 1/4/2022થી ગણવામાં આવ્યો હોવાથી, એપ્રિલ 2022થી માર્ચ 2025 સુધીના ગાળાનું નવા ભાવ પ્રમાણેનું અંદાજે ₹165 કરોડનું બિલ કોર્પોરેશને તાત્કાલિક અસરથી ચૂકવવું પડશે. આ સાથે જ ₹1,039 કરોડની બાકી રકમનો પ્રથમ હપ્તો પણ સત્વરે ભરવો પડશે.
વિવાદનો ઇતિહાસ: 1971થી શરૂ થયેલી ભાગીદારી 1998માં રદ કરાઈ
યોજનાની શરૂઆત: શહેરીજનોને રાહત દરે પાણી મળી રહે તે માટે વડોદરા કોર્પોરેશન વર્ષ 1971માં સરકારની પાનમ યોજનામાં ભાગીદાર બન્યું હતું. મહીસાગર નદીમાં ફાજલપુર, પોઇચા અને રાયકા-દોડકા ખાતે કુલ 4 ફ્રેન્ચવેલ બનાવીને રોજનું 300 થી 350 MLD પાણી મેળવવાનું શરૂ કરાયું હતું.
એકતરફી નિર્ણય: કોર્પોરેશને વર્ષ 1971થી 1977 દરમિયાન ભાગીદારી પેટે ₹23.44 લાખ, કેપિટલ કોસ્ટના ₹383.88 લાખ અને મેન્ટેનન્સ કોસ્ટ સહિત કુલ ₹1,628.54 લાખ (₹16.28 કરોડ) સિંચાઈ વિભાગમાં ભરપાઈ કર્યા હતા. આમ છતાં, વર્ષ 1998માં સરકારે એકતરફી નિર્ણય કરીને કોર્પોરેશનની ભાગીદારી રદ કરી નાખી હતી.
ભાવ વધારો અને વિવાદ: વર્ષ 2007થી સિંચાઈ વિભાગે નવા અને ઊંચા ભાવ પ્રમાણે બિલો મોકલવાના શરૂ કર્યા હતા. જેમાં કરાર કરતાં વધુ પાણી ખેંચવાનો દાવો કરીને દંડ અને વ્યાજ ઉમેરવામાં આવતું હતું. કોર્પોરેશન સતત પોતે ભાગીદાર હોવાના પત્રો લખતું રહ્યું અને વર્ષ 2008માં સામાન્ય સભાની મંજૂરી મેળવી જૂના ભાવ મુજબ દર મહિને ₹5.14 લાખ ચૂકવતું રહ્યું. સિંચાઈ વિભાગે વ્યાજ અને પેનલ્ટી ચડાવવાનું ચાલુ રાખતા વર્ષ 2025 સુધીમાં આ બિલનો આંકડો ₹5,233 કરોડ પર પહોંચી ગયો હતો.
માત્ર પીવાના પાણી માટે વપરાશની બાહેધરી
વડોદરા કોર્પોરેશને સિંચાઈ વિભાગને લેખિત બાહેધરી આપી છે કે આ પાણીનો ઉપયોગ માત્ર શહેરના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે જ થાય છે, આમાંથી કોઈ પણ જથ્થો ઔદ્યોગિક વપરાશ માટે આપવામાં આવતો નથી. આથી જ જળ સંપત્તિ વિભાગ અને શહેરી વિકાસ વિભાગની સૂચના અનુસાર, 1/4/2022થી માત્ર પીવાના પાણીના હેતુ માટે ‘નોર્મલ રેટ’ (₹5.05) મુજબ બિલિંગ મંજૂર કરવામાં આવ્યું છે.















