![]()
Vadodara Ramnath Lake : વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવના બ્યુટીફિકેશન અને વૃક્ષારોપણની કામગીરીને લઈને કોંગ્રેસે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. વોર્ડ નંબર-14 માં આવેલા રામનાથ તળાવ ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી વિવિધ મુદ્દાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
વિરોધ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર-14ના કોંગ્રેસ કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, અમિત ગોટીલકર સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ તળાવ પરિસરની મુલાકાત લઈને સ્થળ પરની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના આક્ષેપ મુજબ રામનાથ તળાવના બ્યુટીફિકેશન પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તળાવની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. હાલમાં પણ તળાવમાં ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે, જેના કારણે બ્યુટીફિકેશનની કામગીરીનો હેતુ સિદ્ધ થતો નથી.
આ ઉપરાંત તાજેતરમાં ભાજપ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમને પણ કોંગ્રેસે નિશાન બનાવ્યો હતો. કોંગ્રેસના જણાવ્યા અનુસાર વૃક્ષારોપણ બાદ છોડની યોગ્ય સારસંભાળ રાખવામાં આવી નથી, જેના પરિણામે મોટી સંખ્યામાં છોડ સુકાઈ ગયા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે પૂર્વ વિસ્તારમાં વિકાસના કામોનો પ્રચાર કરવામાં આવે છે, પરંતુ જૂના સિટી વિસ્તારના વિકાસ પ્રત્યે તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. નાગરિકોને જરૂરી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસે તળાવની સફાઈ, વૃક્ષોની જાળવણી અને જૂના શહેર વિસ્તારમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપવા તંત્ર સમક્ષ માંગણી કરી હતી.















