![]()
Vadodara Panam Yojana : વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં પાનમ યોજના અંતર્ગત રૂ.1039.54 કરોડની રકમ સિંચાઈ વિભાગને ચૂકવવા અંગેની દરખાસ્તને મુલતવી રાખવા કોંગ્રેસના વોર્ડ નં.15ના કાઉન્સિલરે સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં પાનમ યોજનાની ભાગીદારી હોવાથી સિંચાઈ વિભાગને રૂપિયા 1628.14 લાખની ચૂકવણી કરવામાં આવી છે. છતાં વર્ષ 1998માં રાજ્ય સરકારે એકતરફી નિર્ણય કરીને વડોદરા મહાનગરપાલિકાને પાનમ યોજનાની ભાગીદારીમાંથી દૂર કરી હતી. તે સમયે જવાબદાર હોદ્દેદારો દ્વારા આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો નથી.
વર્ષો બાદ વ્યાજ સહિતનું મોટું બિલ મ્યુનિ. કોર્પોરેશનને ફટકારવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરાઈ નથી. હાલ રૂ.1039.54 કરોડની રકમ 12 મહિનાના સમયગાળામાં ચૂકવવાની છે, જેમાં પ્રથમ હપ્તા તરીકે રૂપિયા 200 કરોડ ચૂકવવાના રહેશે. ઉપરાંત, દર મહિને રૂ.5 કરોડની ચૂકવણી પણ કરવી પડશે.
વધુમાં ઉમેર્યું કે મ્યુનિ. કોર્પોરેશનની વર્તમાન આર્થિક સ્થિતિને જોતા આટલું મોટું નાણાકીય ભારણ ઉઠાવવું મુશ્કેલ બનશે. જો આ રકમની ચૂકવણી થશે તો શહેરના વિકાસકામો પર તેની સીધી અસર પડશે. સાથે જ કર્મચારીઓના પગાર, કોન્ટ્રાક્ટરોને સમયસર ચૂકવણી અને કાઉન્સિલરો દ્વારા સૂચવાતા વિકાસકામો પણ પ્રભાવિત થઈ શકે છે.
રજૂઆતમાં માગ કરી છે કે પાનમ યોજનાની આ રકમ ચૂકવવાથી મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટ પર શું અસર પડશે તેની વિગતવાર આંકડાકીય માહિતી તૈયાર કરવામાં આવે અને સામાન્ય સભા તેમજ તમામ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવે. ત્યારબાદ જ આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવે, જેથી હાલ માટે દરખાસ્તને મુલતવી રાખી પુનઃવિચારણા કરવામાં આવે તેવી માગ કરાઈ છે.















