![]()
Yoga Narasimha Swamy Temple Theft: અયોધ્યાના રામમંદિર બાદ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાપૂર્વક ચઢાવવામાં આવતા દાનપાત્ર(હુંડી)માંથી ચોરી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મંદિરના મુખ્ય પૂજારી સહિત કુલ છ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ડ્યુટીમાં બેદરકારી બદલ લેવાયા કડક પગલાં
મંદિર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કડક પગલાં હાલમાં ચોરીમાં સીધી સંલિપ્તતાના કારણે નહીં, પરંતુ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં રાખવામાં આવેલી ઘોર બેદરકારી અને વહીવટી જવાબદારીઓ નિભાવવામાં થયેલી ચૂક બદલ લેવામાં આવ્યા છે. માંડ્યાના ડેપ્યુટી કમિશનર(ઉપાયુક્ત) દ્વારા આ સુરક્ષા ખામીને અત્યંત ગંભીર ગણાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના કાર્યકારી અધિકારી શીલા દ્વારા આ તમામ છ લોકોના સસ્પેન્શનનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો હતો.
સસ્પેન્ડ કરાયેલા 6 કર્મચારીઓની યાદી
દાનપાત્રની સુરક્ષામાં બેદરકારી બદલ જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં નીચે મુજબના નામો સામેલ છે:
1. નારાયણ ભટ્ટ (મંદિરના મુખ્ય પૂજારી)
2. શ્રીધર (મંદિર પ્રશાસન કર્મચારી)
3. તિરુવેંકટાચાર (મંદિર પ્રશાસન કર્મચારી)
4. ગંગાધર (સુરક્ષા ગાર્ડ)
5. બસવરાજૂ (સુરક્ષા ગાર્ડ)
6. કસ્તૂરી શ્રીનિવાસન (મંદિર પ્રશાસન કર્મચારી)
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો અને તપાસ ચાલુ
યોગ નરસિમ્હા સ્વામી મંદિર કર્ણાટકના સૌથી પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે અને મોટું દાન ચઢાવે છે. આવા પ્રતિષ્ઠિત મંદિરની અંદર સીસીટીવી અને સુરક્ષાકર્મીઓની હાજરી હોવા છતાં દાનપાત્રમાંથી ચોરી કેવી રીતે થઈ, તે વહીવટીતંત્ર માટે મોટો સવાલ બન્યો છે. હાલમાં પોલીસ અને વહીવટી એજન્સીઓ દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. તપાસનો આખરી અહેવાલ આવ્યા બાદ આ કેસમાં વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.















