![]()
જેમ
Fasten your seatbelt, not your speed on Vadodara-Mumbai Expressway: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર બેફામ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો પર લગામ કસવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આરટીઓ (RTO) એક્શન મોડમાં આવી ગયા છે. આ હાઈવે પર ગુરુવારથી સ્પિડ ડિટેક્શન સિસ્ટમ સત્તાવાર રીતે લાઈવ કરી દેવાઈ છે. આ ઓટોમેટિક સિસ્ટમ શરૂ થતાંની સાથે જ પહેલા જ દિવસે 178 વાહનચાલકો સ્પિડ લિમિટનું ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા હતા, જે તમામને ઘરે બેઠા ઈ-ચલણ મોકલી અપાયા છે. વાત એમ છે કે, એક્સપ્રેસવે શરૂ થયો ત્યારથી અકસ્માતોની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો. આ જીવલેણ અકસ્માતો પર બ્રેક લગાવવા માટે પ્રશાસન દ્વારા આ પગલું ભરાયું છે.
દર 10 કિલોમીટરે ત્રીજી આંખની નજર
વાહનોની ગતિ પર 24 કલાક બાજ નજર રાખવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરાથી નવસારી સુધીના 188 કિલોમીટરના સ્ટ્રેચ પર દર 10 કિલોમીટરે અત્યાધુનિક સ્પિડ ડિટેક્શન કેમેરા લગાવ્યા છે. સમગ્ર રૂટ પર આવા કુલ 150 કેમેરા છે, જે ઓવર સ્પિડ વાહનોને તુરંત ટ્રેક કરી લે છે. તે અંતર્ગત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ-વેની બંને દિશામાં ચારેય લેન માટે અલગ-અલગ સ્પિડ લિમિટ નક્કી કરાઈ છે. જેમ કે…
પહેલી લેન: મહત્તમ 60 કિ.મી./કલાક
બીજી લેન: મહત્તમ 80 કિ.મી./કલાક
ત્રીજી લેન: મહત્તમ 100 કિ.મી./કલાક
ચોથી લેન: માત્ર ઓવરટેકિંગ માટે અનામત
આ નિયમો પ્રમાણે વિવિધ વાહનો માટે મહત્તમ સ્પિડ અને નિયમ તોડવા બદલ આકરા દંડની જોગવાઈ કરાઈ છે. જેમ કે…
વાહનનો પ્રકાર મહત્તમ સ્પિડ લિમિટ પહેલા નિયમ ભંગનો દંડ
કાર 120 કિ.મી./કલાક ₹2000
ટ્રક 100 કિ.મી./કલાક ₹4,000
મલ્ટી-એક્સલ વાહન 90 કિ.મી./કલાક ₹4,000
જો કોઈ વાહન નક્કી સ્પિડ લિમિટ કરતાં 10 કિ.મી./કલાક કરતાં વધુ ઝડપે દોડતું પકડાશે, તો તેને બેઝિક દંડ ઉપરાંત વધારાના ₹3,000 ચૂકવવા પડશે. હવે જો તમે આ એક્સપ્રેસવે પરથી પસાર થવાના હોવ, તો એક્સિલરેટર પર જરા કાબૂ રાખજો, નહીં તો સ્પિડના રોમાંચની સાથે ખિસ્સાને પણ મોટો ઝટકો લાગી શકે છે.















