Ahmedabad Narol Textile Color Business Cheating Case: અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો બિઝનેસ કરતી એક કંપની સાથે એક વેપારી દ્વારા રૂ. 68 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપી વેપારીએ શરૂઆતમાં લાખો રૂપિયાનો કલરનો માલ ઉધાર ખરીદ્યો હતો અને ત્યારબાદ ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના નામે વધુ રૂપિયા પડાવી લીધા હતા. માલના બાકી નીકળતા રૂપિયા અને રોકાણની રકમ સહિત કુલ રૂ. 68.08 લાખ પાછા ન આપતા, કંપનીના મેનેજરે આરોપી વેપારી અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પરિચિત વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ
નારોલમાં રહેતા અને કાપડના કલરનો વ્યવસાય કરતા 37 વર્ષીય ગોપાલભાઈ રાણાભાઈ ભરવાડે આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા 8 વર્ષથી ‘શ્રીજી કલર કેમ’ નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગોપાલભાઈ અને તેમની કંપની સાથે માર્કેટમાં જ કામ કરતા એક પરિચિત શખ્સે કાપડમાં વપરાતા કલરની મોટા પાયે ખરીદી કરી હતી, પરંતુ સમયસર નાણાં ચૂકવ્યા ન હતા. આ ઉપરાંત, તેણે રોકાણના બહાને પણ મોટી રકમ પડાવી લીધી હતી.
માલ ઉધાર ખરીદી રૂ. 54 લાખથી વધુની રકમ ન ચૂકવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલ વિસ્તારમાં ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા જયમીનભાઈ પ્રવીણભાઈ ઠક્કર સાથે ફરિયાદીની કંપનીને છેલ્લા 10 વર્ષથી પરિચય હતો. વર્ષ 2019માં જયમીનભાઈએ પોતાનો વેપાર સારો હોવાનું જણાવી અને સમયસર પેમેન્ટની ખાતરી આપીને કંપનીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન જયમીનભાઈએ રૂ. 75,83,556નો માલ 60 દિવસની ઉધારી પર ખરીદ્યો હતો. જેની સામે તેમણે માત્ર રૂ. 21,75,000 ચૂકવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 54,08,556 ચૂકવ્યા ન હતા.
આ પણ વાંચો: દહેજ ભૂખ્યા દાનવ! અમદાવાદમાં પતિએ સસરા પાસે 1 કરોડ રોકડા અને 3 લાખનો પગાર માંગ્યો, પત્નીએ નોંધાવી ફરિયાદ
ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના નામે ઠગાઈ
એટલું જ નહીં, ધંધો વધારવાના બહાને અને સારા વળતરની લાલચ આપીને જયમીનભાઈએ ફરિયાદીની કંપની પાસેથી વધુ રૂ. 20,00,000નું રોકાણ પોતાના અને પોતાની પત્નીના બેંક ખાતામાં કરાવ્યું હતું. આ રોકાણમાંથી પણ તેમણે માત્ર રૂ. 6,00,000 જ પરત કર્યા હતા અને બાકીના રૂ. 14,00,000 ઓળવી ગયા હતા. આમ, માલના બાકી રૂપિયા અને રોકાણની રકમ મળીને કુલ રૂ. 68,08,556 પાછા ન આપતા, આખરે આરોપી જયમીન ઠક્કર અને તેની પત્ની સામે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.















