![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની મુલતવી રહેલી આઠ સમિતિઓની રચના આવતીકાલે ગુરૃવારે મળનારી સભામાં કરવામાં આવશે.
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ થયા બાદ આઠ સમિતિઓની રચનાનું કામ લાંબા સમયથી હાથ ધરાયું નહતું.આ સમિતિઓમાં બાંધકામ,કારોબારી,શિક્ષણ અને આરોગ્ય સમિતિમાં સ્થાન મેળવવા વધુ ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા છે.
ચૂંટાયેલી પાંખ અને સંગઠન પાંખ વચ્ચે મનમેળ નહિ હોવાને કારણે સમિતિઓની રચનાનું કામ વિલંબમાં પડયું હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે ત્યારે આવતીકાલે આઠ સમિતિઓની રચના માટે મળનારી જિલ્લા પંચાયતની મીટિંગ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જાહેર કરાયેલી મુલાકાતથી કાર્યકરોમાં અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે.
પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સમિતિઓની રચના દરમિયાન કોઇ તાયફો ન થાય તે માટે સંગઠનના હોદ્દેદારો સક્રિય બન્યા છે.પરિણામે,આવતીકાલે સમિતિઓની રચનાનું કામ સરળતાથી પાર પડે તેમ જણાય છે.
વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની પેન્ડિંગ ચૂંટણીનો મુદ્દો ગરમાયો
વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ચૂંટણીઓ યોજવા બાબત આવતીકાલે પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચાનો મુદ્દો બને તેમ જાણવા મળ્યું છે.
જિલ્લાની સહકારી ક્ષેત્રની ચાર એપીએમસી ઉપરાંત બરોડા ડેરી,વડોદરા જિલ્લા ખરીદવેચાણ સંઘ અને બરોડા સેન્ટ્રલ બેન્ક સહિતની ચૂંટણીઓ કોઇ પણ કારણ વગર પાછી ઠેલાતી હોવાથી કાર્યકરો આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ વડોદરા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે અને જિલ્લા કાર્યાલય,ખાનગી કોલેજ અને પીપળીયા ખાતે ભાજપના એક સિનિયર આગેવાનને ત્યાં અગ્રણીઓ અને પૂર્વ હોદ્દેદારો સાથે મુલાકાત કરનાર છે,જે દરમિયાન સહકારી સંસ્થાઓની ચૂંટણીના મુદ્દે રજૂઆત થનાર હોવાનું જાણવા મળ્યું છે.















