![]()
Jamnagar Liqour Raid : જામનગર જિલ્લાના જોડીયા પંથમાંથી એક રહેણાંક મકાનમાંથી કારમાં ઈંગ્લિશ દારૂના મોટા જથ્થાની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો, અને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને ઝડપી લીધા હતા, અને ઈંગ્લિશ દારૂ, કાર, બાઇક વગેરે સહિત 8,64,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોડીયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા જેઠાભાઈ કરમશીભાઈ ભરવાડ તેમજ બીપીન વસ્તાભાઈ ભરવાડ કે જેઓ એક કાર મારફતે ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે અને હડિયાણા ગામની ધારવાળી સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવાની પેરવી કરી રહ્યા છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડી હડીયાણા ગામની ધારવાળી સીમમાં ઉપરોક્ત મકાન પર દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન ઉપરોકત બંને શખ્સો 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે મળી આવ્યા હતા.
પોલીસે કારમાંથી તેમજ મકાનમાંથી 2,59,200 ની કિંમતનો ઇંગલિશ દારૂ, બે મોબાઈલ ફોન, એક કાર, અને બે મોટર સાયકલ સહિત કુલ 8,64,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે, અને બંને સામે જોડીયા પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો મોરબીના ભીમશીભાઈ નામના શખ્સએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.















