![]()
વડોદરા : અવધુત ફાટક પાસે
વિશ્વામિત્રી રોડ પર ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પરિવાર પર નશાની હાલતમાં કાર
ચડાવી દેતા ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજાવવાના ચકચારી કેસમાં સંડોવાયેલા
આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે
ચુકાદામાં નોંધ્યું હતું કે, ગરીબ લોકો ફૂટપાથ પર સૂતા હોય તેનો અર્થ એ નથી
કે કોઈને પણ દારૃ પીને તેમને કચડવાનું લાયસન્સ મળી જાય
કેસની વિગત મુજબ, ૨૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે આરોપી
નીતિન કિશનભાઈ ઝાએ દારૃના નશામાં પોતાની સફેદ કાર પુરપાટ ઝડપે હંકારી ફૂટપાથ પર
સૂતેલા પરિવાર પર ચડાવી દીધી હતી, જેમાં એક બાળકનું મોત થયું
હતું અને પરિવારના અન્ય સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા આ ગુનામાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ જામીન માટે અરજ કરી હતી.જામીન
અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, ફરિયાદી
પક્ષ ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે સૂતેલો હતો અને તે જગ્યાએ કોઈ પ્રોપર ફૂટપાથ નથી.
જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ અત્યંત ગંભીર પ્રકારનો અકસ્માત
છે અને અકસ્માત બાદ આરોપીનો લથડિયાં ખાતો વીડિયો પણ વાયરલ થયો હતો. આરોપી અગાઉ પણ
દારૃ પીને વાહન ચલાવવા અને અકસ્માત કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો તેનો
ગુનાહિત ઇતિહાસ છે. આરોપીની ગંભીર બેદરકારી અને ગુનાના પુનરાવર્તનની શક્યતાને જોતા
ન્યાયાધીશે આરોપી નીતીનની જામીન અરજી નામંજૂર કરી હતી.

















