![]()
Ahmedabad Loot: અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા પેઢી ચલાવતા ફારૂક ગનીયાણી જ્યારે પોતાની પેઢીની મોટી રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ત્રણ લૂંટારુઓએ ફિલ્મી ઢબે તેમનો રસ્તો રોકી લાખોની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સાણંદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ આદરી છે.
ફિલ્મી સ્ટાઈલમાં લૂંટને આપ્યો અંજામ
મળતી માહિતી અનુસાર, નવમી ફેબ્રુઆરીના રોજ સાંજે આશરે 07:15 વાગ્યાની આસપાસ ફરિયાદી ફારૂકભાઈ પોતાની સાણંદ સ્થિત આંગડિયા પેઢીમાંથી અંદાજે 20થી 25 લાખ જેટલી માતબર રકમ એક કાળા રંગના થેલામાં ભરીને પોતાના સુઝુકી એક્સેસ પર સવાર થઈ સરખેજ ખાતેની બીજી પેઢી પર જવા નીકળ્યા હતા. તે સાણંદથી સરખેજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગીબપુરા ગામથી થોડે આગળ મેઈન રોડ પર કાળા રંગની પલ્સર બાઈક પર સવાર ત્રણ અજાણ્યા શખસોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે
આ ત્રણેય ઈસમોએ પોતાના મોઢે બુકાની બાંધેલી હતી જેથી તેમની ઓળખ છુપાવી શકાય. ચાલુ બાઈકે એક લૂંટારુએ ફરિયાદીના મોપેડના આગળના ભાગે પગ મારીને તેમને ઊભા રાખવા મજબૂર કર્યા હતા, જેના કારણે ફારૂકભાઈનું મોપેડ નમી ગયું હતું અને તેઓ નીચે પટકાયા હતા. આ તકનો લાભ ઉઠાવી પલ્સર પર વચ્ચે બેઠેલા શખ્સે ફરિયાદીના હાથમાંથી રુપિયા ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો અને ત્રણેય લૂંટારુઓ પૂરપાટ ઝડપે સરખેજ તરફ ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે.















