S-400 Missiles: ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(DAC) દ્વારા ગુરુવારે અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકના સૌથી મહત્ત્વના નિર્ણય અનુસાર, ભારત રશિયા પાસેથી ₹10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે વધુ 288 મિસાઈલો ખરીદશે. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે. આ સોદા અંતર્ગત 120 ટૂંકા અંતરની અને 168 લાંબા અંતરની મિસાઈલોની ખરીદી ‘ફાસ્ટ ટ્રેક મોડ’ પર કરવામાં આવશે.
ઓપરેશન સિંદૂર: S-400નો સચોટ પ્રહાર
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમે પાકિસ્તાની વિમાનો અને તેમના સૈન્ય મથકો પર જે રીતે સચોટ પ્રહાર કર્યા હતા, તેનાથી ભારતીય સેનાના આત્મવિશ્વાસમાં મોટો વધારો થયો છે. એ સમયે આ સિસ્ટમે સરહદ પાર 314 કિમી સુધી ઊંડે જઈને હુમલો કરી પાકિસ્તાનને પોતાનું એરબેઝ ખસેડવા મજબૂર કરી દીધું હતું. આ ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે S-400ના વધુ 5 સ્ક્વોડ્રન અને રશિયા પાસેથી ‘પેન્ટસર'(Pantsir) શોર્ટ રેન્જ સિસ્ટમ ખરીદવાની વિચારણા કરી રહી છે. જો આ સોદો સફળ થશે, તો ભવિષ્યમાં ભારત પાસે S-400ના કુલ 10 સ્ક્વોડ્રન હશે, જે કોઈપણ ડ્રોન કે મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવીને દેશની સુરક્ષાને અભેદ્ય બનાવશે.
આ પણ વાંચો: ભારતને પણ બાંગ્લાદેશની જેમ ‘0’ ટેરિફનો લાભ જોઈતો હોય તો અમેરિકાની એક શરત માનવી પડે!
કુલ ₹3.60 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી
આ ઉપરાંત, આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાકુ વિમાનો અને અમેરિકા પાસેથી આશરે ₹30,000 કરોડના ખર્ચે 6 પી-8આઈ(P-8I) રિકોનિસન્સ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ ₹3.60 લાખ કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી મળી છે, જે ભારતીય સેનાને આધુનિક અને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.

















