![]()
Mahisagar Crime News: મહીસાગર જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. બાકોર પોલીસની ટીમે ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી લાખોની કિંમતનો પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. જો કે, પોલીસને ચકમો આપી આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા
મળતી માહિતી અનુસાર, બાકોર પોલીસની ટીમ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક લક્ઝરી કારને અટકાવવામાં આવી હતી. પોલીસને જોઈને કારમાં સવાર શખસો વાહન મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.
400 કિલોગ્રામથી વધુ પોષ ડોડાનો જથ્થો મળ્યો હતો, જેની કિંમત અંદાજે 64 લાખ રૂપિયાથી વધુ છે. હાલ કાર અને પોષ ડોડા મળી કુલ 84 લાખ 54 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન કારમાંથી ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી છે, જેનો ઉપયોગ પોલીસને ગેરમાર્ગે દોરવા થતો હોવાની આશંકા છે.
આ પણ વાંચો: રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત
પોલીસ તપાસ તેજ
બાકોર પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબરના આધારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો, તે દિશામાં મહીસાગર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વારંવાર મુદ્દામાલ પકડાય છે પરંતુ આરોપીઓ હાથ નથી આવતા, તે પોલીસ માટે પણ એક પડકાર બની ગયો છે.
જિલ્લો બન્યો પોષ ડોડાનું હબ?
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોષ ડોડાની હેરાફેરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. અગાઉ પણ જિલ્લામાંથી બે વખત મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. અગાઉ પણ કોઠંબાથી 38 લાખ અને રાફઈ ગામેથી 40 લાખ રૂપિયાનો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો હતો.

















