![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને અધ્યાપકોની ૮૨૫ જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે મંજૂરી મળી ગઈ છે.જોકે રાજ્ય સરકારે ૨૦૨૩માં લાગુ કરેલા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટના કારણે યુનિવર્સિટી સત્તાધીશોને અધ્યાપકોની ભરતી કાર્યવાહી શરુ કરતા પહેલા નિયમોમાં બદલાવ કરીને નવો ઓર્ડિનન્સ (વટહુકમ) તૈયાર કરવો પડશે.
યુનિવર્સિટીમાં છેલ્લે ૨૦૧૯માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જોકે આ પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો બાદ પ્રક્રિયાને અધવચ્ચેથી અટકાવી દેવાઈ હતી.જોકે હવે નવી ભરતી પ્રક્રિયા પહેલા ઓર્ડિનન્સ તૈયાર કરવા માટે ૨૨ સભ્યોની એક જમ્બો કમિટિ બનાવાઈ છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટીના પ્રો.ભણગે, ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રો.કટારિયા અને ઈન્સ્ટિટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પ્રો.આર સી પટેલ એમ ત્રણ વાઈસ ચાન્સેલરનો સમાવેશ કરાયો છે.
સૂત્રોનું કહેવું છે કે, કમિટિ ઓર્ડિનન્સ તૈયાર કરશે અને એ પછી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.ઉમેદવારો પાસેથી અરજી મંગાવીને તેની સ્ક્રુટિની હાથ ધરવામાં આવશે.એ પછી ઈન્ટરવ્યૂ થકી નિમણૂક પ્રક્રિયા શરુ કરાશે.આમ નવું શૈક્ષણિક વર્ષ શરુ થાય ત્યાં સુધીમાં કાયમી અધ્યાપકોની ભરતી થવાની શક્યતાઓ ઓછી છે.જેના કારણે આગામી શૈક્ષણિક વર્ષમાં પણ યુનિવર્સિટીને હંગામી અધ્યાપકો પર ઘણો ખરો મદાર રાખવો પડે તેવું બની શકે છે.















