![]()
Vadodara Liquor Smuggling : વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર કપુરાઈ પોલીસે વહેલી સવારે કારમાં દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ.2,86,808નો મુદ્દામાલ કબજે કરી કારચાલક તથા એક અન્ય મહિલાને ફરાર જાહેર કર્યા છે.
કપૂરાઈ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાઘોડિયા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ લવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર હરિયાળી હોટલ નજીક વોચ ગોઠવી હતી. સવારે અંદાજે 4 વાગ્યે બાતમી મુજબની કારને કોર્ડન કરવાનો પ્રયાસ કરતાં કારચાલકે હરિયાળી હોટલ સામે કાર ઉભી રાખી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. કારમાં બેઠેલી મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. ઝડપાયેલી મહિલાએ પોતાનું નામ કાંતાબેન લાલાભાઈ ગુડિયા (રહે. રણોલી ફાટક પાસે ઝૂંપડામાં, મૂળ દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે કારમાં અન્ય એક મહિલા ગૌરીબેન તૂફાન તથા અજાણ્યો કારચાલક સાથે હોવાની અને તેઓ નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી હતી.
કારની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના નાના-મોટા થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.73 હજારની કિંમતના 576 ક્વાર્ટરિયા, રૂ.13 હજારની કિંમતની 24 બોટલો તેમજ કાર મળી કુલ રૂ.2,86,808નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કપુરાઈ પોલીસે કાંતાબેન વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ ફરાર કારચાલક અને એક અન્ય મહિલાની શોધખોળ શરૂ કરી છે.















