![]()
Smart Meter Protest: પંચમહાલના હાલોલના શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ટીમ સાથે ગામ લોકોની રક્ઝક થઈ હોવાનું સામે આવ્યું છે.
સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન
સ્થાનિકોનું કહેવું છે કે, કોઈ આગોતરી જાણકારી કે સૂચના વગર વીજ કંપનીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી. જેને લઈને ગ્રામજનોએ MGVCLની ટીમને કામગીરી શરૂ કરતાં પહેલા અટકાવ્યા હતા. તેવામાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુરે આજે(18 ફેબ્રુઆરી) બંધનું એલાન કર્યું. તમામ દુકાનો તથા ધંધા-રોજગાર સ્માર્ટ મીટરના વિરોધમાં જડબેસલાક બંધ કરવામાં આવ્યું છે.
સમગ્ર મામલે સ્થાનિકોએ મીટરની પારદર્શિતા અને રીડિંગની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ગામ લોકોનું કહેવું છે કે, સ્માર્ટ મીટરને લઈને સરકાર અથવા વીજ કંપનીએ અગાઉથી જાગૃતિ કાર્યક્રમો યોજીને માર્ગદર્શન આપવું જોઈએ.
આ પણ વાંચો: ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ
સ્થાનિક અગ્રણી મનોજભાઈ શાહે જણાવ્યું કે, MGVCLની 15થી વધુ લોકોની ટીમે જબરદસ્તી લોકોના ઘરમાં પ્રવેશ કરીને 20 મીટર બદલવાની કામગીરી કરી. આ મામલે સ્થાનિકોએ વિરોધ કરતાં વીજ કંપનીની ટીમે સરકાર કામમાં વિઘ્ન કરવા બદલ તમને જેલમાં નાખી દઈશુ તેમ કહીને ધમકી આપી હતી. મીટર કેમ બદલવાના છે એ મામલે અમને કોઈને કોઈ પ્રકારે જાણ કરાઈ નથી. આમ, વીજ કંપની દ્વારા જબરદસ્તી મીટર બદલવાની કામગીરી કરાઈ રહી છે.
















