Rajya Sabha Elections 2026: દેશમાં રાજ્યસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આગામી 16 માર્ચ, 2026ના રોજ 10 રાજ્યોની 37 બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણી માત્ર ભાજપનું સંખ્યાબળ વધારવા માટે જ નહીં, પરંતુ અનેક દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા માટે પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કેટલાક નેતાઓ સમીકરણોમાં ફસાઈને સત્તાથી દૂર થઈ શકે છે, તો કેટલાક માટે નસીબના દ્વાર ખુલી શકે છે. આ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત 26 ફેબ્રુઆરીથી થશે, જેમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે.
ભોજપુરી સુપરસ્ટારને રાજ્યસભા મોકલી શકે છે ભાજપ
સૌથી વધુ રસપ્રદ જંગ બિહારમાં જોવા મળી શકે છે, જ્યાં 5 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. હાલના આંકડાકીય સમીકરણો જોતા તેજસ્વી યાદવની આરજેડી માટે પોતાના સભ્યોને ફરીથી રાજ્યસભામાં મોકલવા મુશ્કેલ જણાઈ રહ્યા છે, કારણ કે તેમની 2 બેઠકો જોખમમાં છે. બીજી તરફ, ભાજપના ફાળે 2 બેઠકો જઈ શકે છે. ચર્ચા છે કે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે. વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલા જોરદાર પ્રચાર પાછળ રાજ્યસભાની બેઠક માટેની ‘ડીલ’ હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ
બેઠકોના સમીકરણમાં કુશવાહાનું રાજકીય ભવિષ્ય જોખમમાં
સાથી પક્ષોના સમીકરણોની વાત કરીએ તો, જેડીયુ તેના બંને સભ્યો હરિવંશ નારાયણ સિંહ અને મંત્રી રામનાથ ઠાકુરને રિપીટ કરે તેવી પૂરી શક્યતા છે. જોકે, પાંચમી બેઠક માટે ચિરાગ પાસવાનનો દાવો મજબૂત હોવાથી ઉપેન્દ્ર કુશવાહાનું રાજકીય ભવિષ્ય લટકી શકે તેમ છે. આમ, 16 માર્ચે યોજાનારી આ ચૂંટણી બિહાર સહિત અનેક રાજ્યોમાં નવા રાજકીય સમીકરણો રચશે તે નક્કી છે.

















