![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઉછાળો જોવા મળ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં તીવ્ર તેજી બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતા દેશના ઝવેરીબજારોમાં ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ ભાવ વધી ઔંશના ૫૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાની પ્રમુખની ટેરીફ નિતીની વિરુધ્ધમાં ત્યાંની સુપ્રિમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું એકટીંવ બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારના ઘરઆંગણે મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ વધી ગયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૧ હજાર ઉછળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૦૧૯ ડોલરથી વધી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૫૧૦૭થી ૫૧૦૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૮૦.૩૫થી વધી ૮૪.૬૪થી ૮૪.૬૫ ડોલર છેલ્લે સપ્તાહના અંતે બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ આજે વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૬૪૫૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર વધી રૂ.૨૬૧૦૦૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓમાં ભાવ પણ ઉંચા બોલાઈ રહ્યા હતા.
પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૨૩થી વધી ૨૧૫૮થી ૨૧૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૭૧૫થી વધી ૧૭૪૭થી ૧૭૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ છેલ્લે ૧.૧૪ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ વધી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૬૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૧૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૦૮ રહ્યા પછી ટેરીફની વિરુધ્ધમાં અમેરિકાની સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવતાં ડોલર ઈન્ડેક્સ ઘટી નીચામાં ૯૭.૫૯ થઈ છેલ્લે ૯૭.૭૯ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે વિશ્વબજાર પાછળ રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૯૫થી ઘટી રૂ.૯૦.૮૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૫૭ વાળા વધી ૭૨.૩૪ થઈ છેલ્લે ભાવ ૭૧.૭૬ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ ૬૬.૧૭ વાળા વધી ૬૭.૦૩ થઈ ૬૬.૪૮ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે તણાવ વધ્યાના વાવડ હતા. ક્રૂડના ભાવ બે મહિનામાં આશરે ૨૦ ટકા વધ્યા આશરે ૨૦ ટકા વધ્યા છે. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૯૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું યુ.એસ. એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન જણાવ્યું હતું.
















