![]()
વડોદરા,અમરેલીથી સુરત જઇ રહેલા દંપતીની કારને આજે વહેલી સવારે પોણા છ વાગ્યે હાઇવે પર છાણી ગામથી થોડે દૂર અકસ્માત થતા પતિનું મોત થયું છે. જ્યારે પત્નીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સુરત લંબે હનુમાનરોડ રામ કૃૃષ્ણ સોસાયટીમાં રહેતા ધીરૃભાઇ વલ્લભભાઇ નાકરાણી, ઉં.વ.૭૫ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામના રહેવાસી છે. તેઓ બીમાર હોઇ ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યે તેઓ પત્ની ચંપાબેન તથા ડ્રાઇવર કાંતિભાઇ શ્યામજીભાઇ રાઠોડ સાથે અમરેલીથી સુરત જવા માટે નીકળ્યા હતા.તેઓ વડોદરા નજીક નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. વહેલી સવારે પોણા છ વાગ્યે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં ધીરૃભાઇને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને છાતીમાં પાંસળી, મણકામાં, કપાળ તથા બંને હાથ પર ઇજા પહોંચી હતી. ડ્રાઇવર કાંતિભાઇને ખભા, ઘુંટણ, છાતી તથા જમણા હાથે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છાણી પોલીસે કારના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ડ્રાઇવરે ઝોકું આવી જતા અકસ્માત થયો હતો.

















