![]()
Solar Stockes and USA Tariff : અમેરિકા દ્વારા ભારતીય સોલર પેનલ્સ પર 125.87% જેટલી તોતિંગ કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદવાના સમાચારની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આ મોટા વૈશ્વિક આંચકાને કારણે ભારતીય સોલર જાયન્ટ Waaree Energies Limited ના સ્ટોકમાં મોટો કડાકો બોલાયો છે. આ રીતે જ પ્રીમિયર એનર્જી લિમિટેડ નામની કંપનીના શેર્સમાં પણ મસમોટો કડાકો આવ્યો હતો.
સ્ટોક માર્કેટમાં ગાબડું
અમેરિકન કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સોલર ઈમ્પોર્ટ પર ભારે ડ્યુટી લાદવાના સમાચાર આવતા જ વારી એનર્જીસ (Waaree Energies Limited) ના શેરધારકોમાં વેચવાલીનો દોર શરૂ થયો છે. NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ, આ સ્ટોક આજે તેના પાછલા બંધ ભાવ ₹3023.50 ની સરખામણીએ સીધો 15% જેટલો તૂટ્યો છે. અમેરિકાથી આવેલા સમાચારના પ્રત્યાઘાત રૂપે શેરનો ભાવ ₹2570 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જે પ્રતિ શેર અંદાજે ₹453 નો ઘટાડો દર્શાવે છે. જોકે ત્યારબાદ વારીના સ્ટોકમાં થોડીક રિકવરી આવી હતી અને તેનો સમાચાર લખવા સુધીનો ભાવ 2674 રૂપિયા રહ્યો હતો. પ્રીમયર એનર્જી લિમિટેડના શેર્સની વાત કરીએ તો તેનું જૂનું ક્લોઝિંગ 777 રૂપિયાની આસપાસ હતું જે આજે સીધું 111 રૂપિયા તૂટ્યું હતું અને પછી રિકવરી બતાવતા 736 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયું હતું.
વારી એનર્જીસના સ્ટોકની સ્થિતિ નીચે મુજબ રહી છે:
પાછલો બંધ ભાવ (Prev. Close): ₹3023.50
આજનો ઓપન ભાવ (Open): ₹2819.00
આજનો નીચો ભાવ (Low): ₹2570.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹2674.40 (-11.55%)
શા માટે તૂટ્યો શેર?
અમેરિકા ભારતીય સોલર ઉદ્યોગ માટે સૌથી મોટું નિકાસ બજાર છે. વારી એનર્જીસ જેવી અગ્રણી કંપનીઓનો મોટો બિઝનેસ અમેરિકા સાથે જોડાયેલો છે. હવે 125.87% જેટલી જંગી ડ્યુટી લાગવાથી અમેરિકામાં ભારતીય સોલર પેનલ્સ મોંઘી થશે, જેની સીધી અસર કંપનીના પ્રોફિટ માર્જિન અને ઓર્ડર બુક પર પડી શકે છે. આ સમાચારને પગલે બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.
















