![]()
Jamnagar Bike Theft : જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની છે. ગઈકાલે સિક્કામાં એક બાઈક ચોરી થઈ ગયું છે, જેની ફરિયાદ પોલીસમાં નોંધાવ્યા બાદ જામનગર શહેર અને જામજોધપુરમાંથી વધુ બે મોટર સાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
જામનગરમાં પાઠક ફળી વિસ્તારમાં રહેતા અને મ્યુઝિક વગાડવાનો વ્યવસાય કરતાં હેમેનભાઈ મનુપ્રસાદ દવે (63) કે જેઓએ ગત 20 મી તારીખે જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ પાસે પોતાનું સ્કૂટર પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો વાહન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરતા તેમાં બે તસ્કરો વાહનને ચોરી કરી જઈ રહ્યા હોવાનું ધ્યાને આવતાં પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેઓને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.
વાહનચોરીનો બીજો બનાવ જામજોધપુરના એસટી બસ સ્ટેન્ડમાં બન્યો હતો. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા એસટીના નિવૃત્ત કર્મચારી અજીતસિંહ બળવંતસિંહ જાડેજા (ઉંમર વર્ષ 65) કે જેઓ એ જામજોધપુરના બસ સ્ટેન્ડમાં પોતાનું બાઈક પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી જામજોધપુરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
















