![]()
ESIC Free Health Check UP For Members Aged 40 plus: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ એક કરોડથી વધુ લોકોને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં ESICએ મંગળવારે 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના પોતાના 1 કરોડથી વધુ સભ્યો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમની શરૂઆત કરી છે. ESICએ પોતાની સ્થાપનાની 75મી વર્ષગાંઠ પર આ પહેલ શરૂ કરી છે. નવા લેબર કોડ પ્રમાણે કામદારોના સ્વાસ્થ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઈએ કે, ESICની આરોગ્ય વીમા યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ લગભગ 3.8 કરોડ સભ્યો છે, જેમાંથી લગભગ એક કરોડ સભ્યોની ઉંમર 40 વર્ષથી વધુ છે. હાલમાં ESIC પાસે 166 હોસ્પિટલો, 17 મેડિકલ કોલેજો અને લગભગ 1,600 ડિસ્પેન્સરીનું નેટવર્ક છે.
કેમ લેવાયો નિર્ણય?
ગત વર્ષે નવેમ્બરમાં જે નોટિફિકેશન બહાર પડ્યું તે મુજબ નવી શ્રમ સંહિતાઓ હેઠળ 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોની ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ કરાવવી નોકરીદાતાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે, કર્મચારી રાજ્ય વીમા નિગમે પણ ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ લોન્ચ કરી છે. આ ફ્રી હેલ્થ ચેકઅપ હવે માત્ર એક ‘સુવિધા’ નથી, પણ નોકરીદાતાઓ (Employers) માટે એક કાનૂની જવાબદારી બની ગઈ છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કામદારો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, ‘આ પગલું કામદારોના કલ્યાણને મજબૂત બનાવશે. ESICએ ‘સુધાર અને પ્રદર્શન’નો અભિગમ અપનાવતા અને સેવા વિતરણમાં વધુ સુધારો કરવા માટે સામૂહિક સંકલ્પ લેવો જોઈએ.’ માંડવિયાએ ESIC હોસ્પિટલોમાં દવાઓ, સાધનો અને ડોકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવાના મામલા ઓછા રાખવા માટે આતંરિક સુવિધાઓ વધારવા માટે પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ESICએ પોતાના ધોરણોને AIIMS જેવી ટોચની સંસ્થાઓના સ્તરે લઈ જવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
આ પણ વાંચો: ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: PM મોદીના ઈઝરાયલ પ્રવાસ અને નેતન્યાહૂના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
આ ઉપરાંત રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ESIC વચ્ચે ESI યોજનાને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) સાથે સંકલિત કરવા માટે એક કરાર કરવામાં આવ્યો છે. આનો હેતુ સંકલિત સ્વાસ્થ્ય સેવા વિતરણને મજબૂત બનાવવા અને ગુણવત્તાયુક્ત સેવાઓ સુધી પહોંચનો વિસ્તાર કરવાનો છે.
















