![]()
વડોદરા,હોળી ધૂળેટી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે હજાર પોલીસ જવાનો તેમજ હોમગાર્ડના ૮૦૦ જવાનો તૈનાત રહેશે.
તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં ૭ ડી.સી.પી.,૧૧ એ.સી.પી.,૫૦ પી.આઇ., ૧૨૦પી.એસ.આઇ., બે હજાર પોલીસ જવાનો, એસ.આર.પી.ની ૪ કંપની, એસ.ડી.આર.ની ૧ પ્લાટૂન અને હોમગાર્ડના ૮૦૦ જવાનો સામેલ છે. તદુપરાંત નદી, કૃત્રિમ તળાવ, નહેર, જળાશયોમાં નાહવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ જાહેર જગ્યાએ આવતા જતા લોકો પર, મકાન, મિલકત પર કાદવ, રંગ, કેમિકલ,રંગ મિશ્રિત પાણી, તૈલી વસ્તુઓ નાખવા પર પણ મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ હોળી ધૂળેટીના પૈસા ( ગોઠ) ઉઘરાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરા તથા સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવશે.















