ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર અને વિશ્વ વંદના ટ્રસ્ટ- વઢવાણના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 માર્ચના રોજ લોકનિકેતન રતનપુરમાં
પરિસંવાદ યોજાઈ ગયો. મધુર ફાગણી ગીત સાથે કાર્યક્રમ શરૂ થયો. મંગળ દીપ પ્રાગટ્ય થયું. કીર્તનાવલી પુસ્તક, ખાદીનો રૂમાલ અને ખાસ બનાવેલ કેસુડાની ગુલછડી વડે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.
આ પરિસંવાદના મુખ્ય મહેમાન તરીકે ર્ડો.હર્ષદ લશ્કરી ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદ ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા વિષય પર આયોજીત થયો હોવાથી એને અનુરૂપ મનનીય વક્તવ્ય આપવામાં આવ્યાં. આ સેમિનારમાં વક્તા શ્રી અરવિંદસિંહ ગોહિલ દ્વારા
ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય પર વિવિધ ગીતો, વાર્તાઓ, ઘટનાઓનાં ઉદાહરણ મારફતે વિષયની રસપ્રદ છણાવટ કરીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
શ્રી શૈલેષ પંચાલે પોતાની વઢીયારી અસ્મિતા અને લોકજીવન સાથે ગ્રામ સંસ્કૃતિને પોષક સાહિત્ય વિશે સમજણ આપી.
ડો. નિષાદ ઓઝાએ પોતાના ગ્રામજીવનના સંભારણાં યાદ કરીને
ગ્રામ સંસ્કૃતિના સાહિત્યમાં કવિતા એ વિષયને અનુરૂપ ગીતો, લોકગીતો વગેરે સ્વર આપી મધુર કંઠે સૌને ડોલાવી દે એવો માહોલ ઊભો કર્યો હતો.
અદના કવિ અને ગઝલકાર શ્રી મુસાફર પાલનપુરી દ્વારા કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો અને આપણા ગ્રામ સમાજમાં કવિતાનો ઉછેર કેવો થયો એ અને એ માટે કવિ કર્મ અને સાહિત્ય સર્જન કેવું હોય એ વિશે રજૂઆત કરી હતી.
પરીસવાદના અધ્યક્ષ ર્ડો.. હર્ષદ લશ્કરી મારફતે પ્રાચીન ગ્રામ સંસ્કૃતિ અને આધુનિક જીવનના પરિપેક્ષમાં ગ્રામ સાહિત્ય અને આધુનિક ટેક્નોલોજી AI વિશે મનનીય પ્રવચન આપ્યું હતું.
આજના પરિસંવાદમાં વિવિધ સાહિત્ય સર્જન અને ગ્રામ સેવાને લગતા પાંચ એવોર્ડ એનાયત થયા. ‘શબ્દના સહપ્રવાસી’ અને શબ્દનું ઠીકરું કાવ્ય સંગ્રહોનું વિમોચન કરવામાં આવ્યું.
કાર્યક્રમના સમાપનમાં કવિ મિત્રો દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું.
પરિસંવાદના આગલા દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ સાહિત્ય પ્રેમીઓ સાથે ગ્રામ જીવન, લોક સંસ્કૃતિ વિશે વિચાર વિમર્શ યોજાયો. રાત્રે સંગીત સંધ્યા અને લોકસાહિત્ય પીરસવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિશ્વ વંદના ટ્રસ્ટના પ્રમુખશ્રી જગદીશ રથવીએ આવકાર આપ્યો અને આભાર વિધિ શ્રી યોગેશ ગોડાએ કરેલ હતી.
કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રો. મહેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
સમગ્ર બે દિવસનો આ કાર્યક્રમ નિવાસી હોવાથી, રહેવા, જમવા વગેરે તમામ સુચારુ વ્યવસ્થા લોકનિકેતન રતનપુરના ગ્રામ વિદ્યાપીઠ વિભાગના નિયામક શ્રી દિનેશભાઇ વસીયાણી અને એમના કાર્યકરોએ કરેલ હતી .
અહેવાલ: કિંજલ પંચાલ અમદાવાદ















