![]()
– બગદાણા નજીક જેસર ચોકડી પાસે
– બગદાણા દર્શન કરીને બાઈક પર કરમદીયા જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : બગદાણા નજીક જેસર ચોકડી પાસે કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.
મહુવા તાલુકાના કરમદીયા ગામે રહેતા દુલાભાઈ બાલુભાઈ ઠુમ્મરે બગદાણા પોલીસ મથકમાં સફેદ કલરની ૫૮૨૧ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ભત્રીજા જેન્તીભાઈ મુળજીભાઈ ઠુમ્મર તેમનું જીજે-૦૫-બીએલ-૫૦૭૭ નંબરની બાઈક લઈને બગદાણા દર્શન કરી કરમદીયા ગામે તેમના ઘરે જતા હતા ત્યારે જેસર ચોકડી પાસે પહોંચતા સામેથી ઉક્ત સફેદ રંગની ૫૮૨૧ નંબરની કારના ચાલકે તેમના ભત્રીજાની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. જેમાં તેમના ભત્રીજાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

















