President Unveils Rajagopalachari Statue at Rashtrapati Bhavan : રાષ્ટ્રપતિ ભવનમાં એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભવનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમા બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમાના સ્થાને સ્થાપિત કરાઈ છે.
ગુલામીની માનસિકતામાંથી મુક્તિ
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ પગલું દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અપાવવાના વ્યાપક અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે. રાજાજીની આ પ્રતિમા રાષ્ટ્રપતિ ભવનના અશોક મંડપ પાસે ગ્રાન્ડ ઓપન સ્ટેયરકેસ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે, જે મહાત્મા ગાંધીની પ્રતિમાની બરાબર સામે છે.
રાજાજીએ ભારતીયતાનો પરિચય આપ્યો
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ‘રાજાજી ઉત્સવ’ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સંબોધનમાં કહ્યું કે, ‘રાજાજીનું જીવન ભારતને માનસિક ગુલામીમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલું હતું. આઝાદી બાદ જ્યારે રાજાજી ગવર્નર હાઉસમાં રહેવા આવ્યા, ત્યારે તેમણે બ્રિટિશ ઠાઠમાઠના બદલે પોતાના રૂમમાં રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીના ચિત્રો લગાવીને ભારતીયતાનો પરિચય આપ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘણા મહત્ત્વના ફેરફારો થયા છે. બ્રિટિશ અધિકારીઓના ચિત્રો હટાવી ત્યાં પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્રો લગાવવામાં આવ્યા છે’
વડાપ્રધાનનો સંદેશ: લોકશાહી આત્મવિશ્વાસનું પ્રતીક
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ પણ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જ્યાં પહેલા લુટિયન્સની પ્રતિમા હતી ત્યાં હવે રાજાજીની પ્રતિમા હોવી તે માનસિક સંસ્થાનવાદમાંથી મુક્તિનું મોટું ડગલું છે. આજનું રાષ્ટ્રપતિ ભવન ભારતીય સભ્યતામાં રહેલા લોકશાહી આત્મવિશ્વાસનું પ્રતીક બની રહ્યું છે.
આ પણ વાંચો : 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધાંતો નહીં
લુટિયન્સના પરિવારમાં નારાજગી
બીજી તરફ, આ ફેરફાર સામે એડવિન લુટિયન્સના પરપૌત્ર અને બ્રિટિશ લેખક મેટ રિડલેએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, તેમના પરદાદા દ્વારા ડિઝાઈન કરાયેલા ભવનમાંથી તેમની પ્રતિમા હટાવવામાં આવી તે અફસોસજનક છે.
આ પણ વાંચો : ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં


















