![]()
બનાવ સ્થળેથી બે પાનાંની સુસાઇડ નોટ મળી
આર્થિક સંકડામણ, અમુક શખ્સો પૈસાની ઉઘરાણી કરી ધાક-ધમકી આપતા હોઇ જિંદગીથી કંટાળી પગલું ભર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
જામનગર: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે ખારા બેરાજા પાસે ઝેરી ટીકડા ખાઇ લઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આર્થિક સંકડામણના કારણે અને અમુક વ્યક્તિની પૈસાની ઉઘરાણી- ધાક ધમકીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકે લખેલી બે પાનાની સુસાઇડ નોટ પોલીસે કબજે કરી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ગોકુલનગર નજીક મુરલીધરનગર શેરી નં. ૮માં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા ભાવિનભાઈ દેવકરણભાઈ સાંગાણી નામના ૩૬ વર્ષના કારખાનેદાર યુવાને ખારા બેરાજા નજીક એક મંદિર તરફ જવાના કાચા રસ્તે ઝેરી દવાના ટીકડા ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે, જેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ બાબતે તપાસ હાથ ધરી છે.
મૃતક કારખાનેદારે ખાઈ લીધેલા ઝેરી દવાના ટીકડા સ્થળ પરથી મળી આવ્યા હતા. તેની પાસેથી બે પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ઢીંચડા ગામના એક શખ્સ સહિત ચારથી પાંચ વ્યક્તિના નામોનો ઉલ્લેખ કર્યો હતો, અને આર્થિક સંકડામણ અને માનસિક ત્રાસ હોવાના કારણે આખરે જિંદગીથી હારી થાકી જઇ આ પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પોલીસે સુસાઇડ નોટ કબજે કરી લઈ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, અને તેની પત્ની પુષ્પાબેનનું નિવેદન નોંધ્યુ છે. મૃતક યુવાન બ્રાસપાર્ટનું કારખાનું ધરાવે છે, ઉપરાંત તેની જમીન પણ આવેલી છે, અને તાજેતરમાં એક શખ્સની સાથે રહીને ભેંસો માટેનો તબેલો પણ બનાવ્યો હતો. જે તબેલા તરફ જવાના રસ્તામાં તેણે આત્મહત્યાનું પગલું કરી લીધું હતું. મૃતક યુવાનને ૧૬ વર્ષનો પુત્ર છે જે દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. બનાવના પગલે પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

















