![]()
એમ્બર ગ્રીસનો 2.069 ગ્રામ જથ્થો એસ.ઓ.જી. દ્વારા કબજે
પૂછપરછમાં વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો સિક્કાના દરિયા કિનારે તણાઇને આવતાં તે લીધો હોવાનું જણાવતાં તપાસ
જામનગર: જામનગર નજીક સિક્કામાં નાઝ સિનેમા પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ.રૂા. આશરે ૨,૦૬,૯૦,૦૦૦ના જથ્થા સાથે એક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પકડી પાડયો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર એસ.ઓ.જી. દ્વારા સિક્કા ગામમાં નાઝ સિનેમા પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ઇમામ ચોક પાસે રહેતા ઇમરાન દાઉદ ભાયા પોતાના રહેણાક મકાનના રસોડામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ)નો જથ્થો વેચાણ અર્થે લાવેલો છે, અને હાલ આ જથ્થો તેના રહેણાક મકાનના રસોડામાં રાખેલ હોવાની બાતમીના આધારે રેઈડ કરતા ત્યાથી ઈમરાન દાઉદભાઈ ભાયા-વાઘેર (ઉ.વ. ૩૭) શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના ટુકડાઓ ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ.રૂા. આશરે ૨,૦૬,૯૦,૦૦૦ સાથે મળી આવ્યો હતો.
એસ.ઓ.જી. ના સ્ટાફે શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ના ટુકડાઓ કબ્જે કરી પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ખાતે મોકલવા તજવીજ હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેને આ ટુકડાઓ સિક્કાના દરિયા કિનારે તણાઈને આવ્યો હોવાનું અને મળી આવ્યાનું જણાવ્યું હોઇ આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

















