![]()
– પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– મંડપ સર્વિસના ગોડાઉનમાં પીકઅપ વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો
ભાવનગર : પાલિતાણામાં મંડપ સર્વિસના ગોડાઉનમાં બોલેરો પીકઅપ વાહનના ચાલકે વૃદ્ધાને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલિતાણા વેલનાથ વાડી તળાવ વિસ્તારમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ ભાટીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં રમેશ ભીખાભાઈ સોલંકી (રહે.નાના ગરાજી, તા.પાલિતાણા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના દાદી ગોદીબેન જીવાભાઈ ભાટી (ઉ.વ.૮૫) ગત રોજ બપોરના સમયે પાલિતાણા ભાગ્યોદય મંડપ સર્વિસના ગોડાઉન ખાતે હાજર હતા. દરમિયાન ગોડાઉનમાં મંડપનો સામાન ખાલી કરવા આવેલા જીજે-૦૫-બીવી-૫૬૧૯ નંબરના બોલેરો પીકઅપ વાહનમાંથી સામાન ઉતારી ઉક્ત રમેશભાઈએ વાહન શરૂ કરતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દઈ તેમના દાદીને પીકઅપ વાહનની નીચે અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમને સારવાર માટે પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વૃદ્ધાને ભાવનગર રિફર કરવામાં આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં વૃદ્ધાનું હલનચલન બંધ થઈ જતાં પાલિતાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃતજાહેર કર્યાં હતા. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે.

















