![]()
Rajkot News : ગુજરાત પોલીસની PSI અને લોક રક્ષક દળ(LRD)ની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી શરૂ છે, ત્યારે ગ્રાઉન્ડ પરીક્ષામાં નાપાસ થતાં રાજકોટ શહેરની 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં યુવતીએ કર્યો આપઘાત
રાજકોટ શહેરની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતી અંજુમ અજીતખાન પઠાણ (ઉં.વ.19)એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત માહતી મુજબ, અંજુમ ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ સમયે ઘરે રહેલા તેના માસીને કોઈ કામ પડતા તે અંજુમને બોલાવવા ગયા હતા. દરવાજો ખટખટાવવા છતાં નહીં ખોલતા જારીમાંથી જોતા અંજુમ લટકતી હાલતમાં દેખાઈ હતી. જેથી દરવાજો તોડી તાત્કાલિક 108 બોલાવાઈ હતી. જેમાં તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. જાણ થતાં થોરાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો હતો.
દોડની પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી ગઈ ને લાગી આવ્યું
તમને જણાવી દઈએ કે, ગત 2 તારીખના રોજ અમદાવાદના ગ્રાઉન્ડ ખાતે પીએસઆઈ-કોન્સ્ટેબલ માટે અંજુમની દોડ હતી. જેમાં અંજુમ દોડમાં દોઢ મિનિટના સમયથી રહી ગઈ હતી. દોડમાં ફેલ થતા હતાશામાં અંજુમે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી પડતાં 20થી 25 લોકો ફસાયા
પોલીસ જણાવ્યું હતું કે, મૃતક અપરણિત હતી. તે પી.એસ.આઈ.ની તૈયારી કરતી હોવાથી ગ્રાઉન્ડની પરીક્ષા આપી હતી. તેમાં નાપાસ થઈ હતી. હાલ તે પી.જી.વી.સી.એલ.માં કસ્ટમર કેરમાં નોકરી કરતી હતી. આપઘાત પાછળના કારણ અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.
















