મુંબઈ : ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં રોકાણકારોનું પોઝિટિવ માનસ જળવાઈ રહ્યું હતું અને સુધારો આગળ ધપ્યો હતો. અમેરિકા-ભારત ટ્રેડ ડીલ માળખાની જાહેરાત બાદ ઊભો થયેલો આશાવાદ ટકી રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ દેશના બજારમાં સક્રિય બન્યા હોવાના અહેવાલે બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો છે. અમેરિકા દ્વારા ભારતના વેપાર હરિફ બાંગલાદેશના માલસામાન પર ટેરિફ ઘટાડી ૧૯ ટકા કરવાનો નિર્ણય લીધો હોવાની બાંગલાદેશ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે આ જાહેરાતની ભારતના બજાર પર ખાસ અસર જોવા મળી નહોતી પરંતુ ટેકસટાઈલ શેરો જે સોમવારે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા તેમાં પીછેહઠ જોવા મળી હતી. ટેકસટાઈલ ક્ષેત્રમાં બાંગલાદેશ ભારતનું મુખ્ય હરિફ છે. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ ઉપરમાં ૮૪૪૮૨.૯૫ અને નીચામાં ૮૪૦૬૩.૪૭ રહી છેવટે ૨૦૮.૧૭ વધી ૮૪૨૭૩.૯૨ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૯૮૯.૪૫ અને નીચામાં ૨૫૮૭૦.૪૫ થઈ છેવટે ૬૭.૮૫ વધી ૨૫૯૩૫.૧૫ સાથે ૨૬૦૦૦ પોઈન્ટથી સાધારણ છેટે બંધ રહ્યો હતો. ટેકસટાઈલ ઉપરાંત ફાર્મા શેરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા, જ્યારે જાન્યુઆરીના રિટેલ આંક જાહેર થયા બાદ ઓટો તથા રિઅલ્ટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બેન્ક શેરોમાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૫૮૭ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૧૬૭૫માં ઘટાડો થયો હતો અને ૧૬૧ શેર ફેરબદલ વગરના રહ્યા હતા.
બાંગલાદેશ પર ટેરિફ ઘટાડયાના
અહેવાલે ટેકસટાઈલ શેરો દબાણ હેઠળ
અમેરિકામાં બજાર ધરાવતી ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં સોમવારે જોવા મળેલો સુધારો મંગળવારે ધોવાઈ ગયો હતો. ટેકસટાઈલ નિકાસ બજારમાં ભારતના મુખ્ય હરિફ બાંગલાદેશ પરની ટેરિફમાં અમેરિકાએ ઘટાડો કર્યો હોવાના અહેવાલે ટેકસટાઈલ શેરોમાં વેચવાલી આવી હતી. સનાતન ટેકસ. રૂપિયા ૧૭.૬૫ ઘટી રૂપિયા ૪૨૫.૦૫, કીટેકસ ગારમેન્ટસ રૂપિયા ૧૪.૬૯ ઘટી રૂપિયા ૨૦૧.૩૯, અરવિંદ રૂપિયા ૧૮.૯૦ ઘટી રૂપિયા ૩૬૮.૭૦, વર્ધમાન ટેકસ. રૂપિયા ૧૮.૯૫ ઘટી રૂપિયા ૪૮૮.૧૦, આલોક ઈન્ડ. રૂપિયા ૦.૧૧ ઘટી રૂપિયા ૧૬.૧૪ રહ્યો હતો.
ત્રીજા ત્રિમાસિકના પરિણામો બાદ બેન્કિંગ શેરોમાં મિશ્ર પ્રવાહ: એસબીઆઈ, પીએનબીમાં ઘટાડો
ધિરાણ ઉપાડમાં જોરદાર વધારાને કારણે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોના નફામાં નોંધપાત્ર વધારો થયો હોવાના અહેવાલ વચ્ચે બેન્ક શેરોમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. સોમવારના વધારા બાદ બેન્ક શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બેન્ક ઓફ મહારાષ્ટ્ર રૂપિયા ૦.૭૭ વધી રૂપિયા ૬૭.૦૪, સેન્ટ્રલ બેન્ક રૂપિયા ૦.૨૨ વધી રૂપિયા ૩૭.૯૬, ઈન્ડિયન બેન્ક રૂપિયા ૩.૫૫ વધી રૂપિયા ૯૦૬.૦૫ રહ્યો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગે એસબીઆઈ રૂપિયા ૧.૯૦ ઘટી રૂપિયા ૧૧૪૪.૧૦, પીએનબી રૂપિયા ૦.૪૮ ઘટી રૂપિયા ૧૨૨.૯૬, યુનિયન બેન્ક રૂપિયા ૦.૭૨ ઘટી રૂપિયા ૧૭૯.૨૬, તથા કેનેરા બેન્ક રૂપિયા ૧.૧૦ ઘટી રૂપિયા ૧૪૬.૮૩ રહ્યો હતો.
ઊંચા વેલ્યુએશને પસંદગીના ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ આવતા ભાવ દબાયા
ઊંચા વેલ્યુએશને પસંદગીના ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ આવતા ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. ઓરોબિન્દો ફાર્મા રૂપિયા ૭૯.૬૦ ઘટી રૂપિયા ૧૧૨૪.૧૦ રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. ઝાયડસ લાઈફ પણ પરિણામ બાદ રૂપિયા ૩૬.૧૫ ઘટી રૂપિયા ૮૮૭.૩૦, લૌરસ લેબ્સ રૂપિયા ૧૯.૧૫ ઘટી રૂપિયા ૯૬૬.૩૫, ડો. રેડ્ડીસ લેબ્સ રૂપિયા ૧૯.૫૦ ઘટી રૂપિયા ૧૨૫૬.૦૦ રહ્યો હતો. જેબી કેમિકલ્સ રૂપિયા ૪૦.૪૦ વધી રૂપિયા ૧૯૨૩.૧૦, ગ્રેન્યુલ્સ ઈન્ડિયા રૂપિયા ૧૨.૦૦ વધી રૂપિયા ૫૮૧.૦૦, સન ફાર્મા રૂપિયા ૩.૨૦ વધી રૂપિયા ૧૭૦૭.૮૦ બંધ રહ્યો હતો.
અમેરિકામાં નિકાસ વધવાનો માર્ગ ખૂલ્લો થતા જેમ્સ એન્ડ જ્વેલરી શેરોમાં લેવાલી આગળ વધી
અમેરિકા દ્વારા ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી પરની ડયૂટી ઘટાડી શૂન્ય કરાશે તેવી વેપાર કરારના મુસદામાં કરાયેલી જાહેરાતને પગલે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વધવાનો માર્ગ ખુલ્લો થયો છે જેને પરિણામે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કંપનીના શેરોમા સતત બીજા દિવસે લેવાલી જળવાઈ રહી હતી. ગોલ્ડીઅમ ઈન્ટરનેશનલ રૂપિયા ૩.૮૫ વધી રૂપિયા ૪૧૧.૧૦, ટિટાન કંપની રૂપિયા ૧૧.૩૦ વધી રૂપિયા ૪૨૬૯.૧૦, સેન્કો ગોલ્ડ રૂપિયા ૨.૧૦ વધી રૂપિયા ૩૫૭.૪૦ બંધ રહ્યા હતા. ગોલકુંડા ડાયમન્ડ રૂપિયા ૧૨.૦૦ વધી રૂપિયા ૨૨૫.૭૦ રહ્યો હતો. અમેરિકામાં સારી બજાર ધરાવતી કંપનીઓને કરારથી ટેકો મળવાનો આશાવાદ છે. કલ્યાણ જ્વેલરમાં સોમવારના ઉછાળા બાદ નફા બુકિંગે ભાવ રૂપિયા ૩.૪૫ ઘટી રૂપિયા ૪૩૩.૯૦ બંધ રહ્યો હતો.
ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, એનટીપીસી, ટીસીએસમાં સુધારો જ્યારે રિલાયન્સ, એશિયન પેઈન્ટસ આઈટીસીમાં નબળાઈ
ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોની મોસમ હવે સમાપ્ત થવા આવી છે ત્યારે સેન્સેકસ હેવીવેઈટ શેરોમાં પરિણામો પ્રમાણે ચાલ જોવા મળી રહી છે. સ્ટીલના ભાવ હાલમાં ઊંચા બોલાતા હોવાના અહેવાલે ટાટા સ્ટીલ રૂપિયા ૫.૮૫ વધી રૂપિયા ૨૦૭.૯૫ રહ્યો હતો. પાવર ગ્રીડ રૂપિયા ૪.૯૦ વધી રૂપિયા ૨૯૪.૫૫, એનટીપીસી રૂપિયા ૪.૯૫ વધી રૂપિયા ૩૬૬.૮૦, ટીસીએસ રૂપિયા ૩૭.૧૫ વધી રૂપિયા ૨૯૮૪.૨૫ તથા એચયુએલ રૂપિયા ૨૦.૧૦ વધી રૂપિયા ૨૪૫૪.૦૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ રૂપિયા ૨.૮૫ ઘટી રૂપિયા ૧૪૫૮.૫૫, એશિયન પેઈન્ટસ રૂપિયા ૧૮.૬૦ ઘટી રૂપિયા ૨૩૯૮.૬૦, બજાજ ફાઈનાન્સ રૂપિયા ૧૭.૬૫ ઘટી રૂપિયા ૯૬૫.૩૫ જ્યારે આઈટીસી રૂપિયા ૧.૨૦ ઘટી રૂપિયા ૩૨૧.૩૫ બંધ રહ્યો હતો.
એફઆઈઆઈની કેશમાં રૂપિયા ૬૯.૪૫ કરોડની અને ડીઆઈઆઈની રૂ. ૧૧૭૪.૨૧ કરોડની નેટ ખરીદી
મંગળવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૬૬૯૯.૮૨ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૬૬૩૦.૩૭ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૬૯.૪૫ કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૫૨૬૨.૯૦ કરોડની લેવાલી અને રૂપિયા ૧૪૦૮૮.૬૯ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૧૭૪.૨૧ કરોડની ખરીદી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય બજારમાં સક્રિય થયા છે.















