![]()
– આણંદના બોરીયાવી ગામ પાસે અકસ્માત
– યુવાનને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
આણંદ : આણંદના બોરીયાવી ગામ પાસે નેશનલ હાઈવે ૪૮ પર શનિવારે મોડી રાત્રે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૨૩ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. કણજરી સ્થિત ઈસ્કોન બાલાજી વેફર્સ કંપનીમાં નોકરી પૂરી કરી પરત ફરી રહેલા યુવકની મોટરસાયકલ અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.
બોરીયાવીના બાપુનગર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ અર્જુનભાઈ રાઠોડ (ઉ.વ. ૨૩) કણજરીની ઈસ્કોન બાલાજી વેફર્સ કંપનીમાં નોકરી કરતા હતા. શનિવાર, ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે ૧૨.૦૦ વાગ્યે પોતાની શિફ્ટ પૂરી કરી તેઓ મોટરસાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. નેશનલ હાઈવે ૪૮ પર રામદેવ રાજપુરોહિત ઢાબા સામે, વિપુલભાઈ પોતાની મોટરસાયકલ રોંગ સાઈડમાં ચલાવી રહ્યા હતા ત્યારે વડોદરા તરફથી આવતા એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિપુલભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન વહેલી સવારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના મોટા ભાઈ કિરીટભાઈ અર્જુનભાઈ રાઠોડે આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.















