![]()
Cylinder Blast in Ahmedabad: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહતમાં મંગળવારે (31 માર્ચ) વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. એક મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ લાગી હતી, જેમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા.
વહેલી સવારે 5:30 વાગ્યે થયો બ્લાસ્ટ!
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યે નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ લીકેજ અંગેનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનમાં ભરાયેલા ગેસને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકેજને કારણે આખા ઘરમાં ગેસ ફેલાયેલો હતો અને કોઈ કારણોસર તણખલો કે આગ મળતા આ મોટો ધડાકો થયો હતો.
ઈજાગ્રસ્તોને સોલા સિવિલ ખસેડાયા
બ્લાસ્ટ સમયે મકાનમાં હાજર 35 વર્ષીય રાજુભાઈ, 45 વર્ષીય હીરાભાઈ, 46 વર્ષીય મણિલાલ, 50 વર્ષીય સોહનભાઈ અને અન્ય એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
મકાનને મોટું નુકસાન, બારીઓના કાચ ફૂટ્યા
સિલિન્ડર બ્લાસ્ટને કારણે મકાનનો સામાન અને ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના છત અને દીવાલોના પોપડા ઉખડી ગયા હતા. આસપાસ રહેતા લોકોમાં પણ ફાળ પડી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.















