Ahmedabad Accident: અમદાવાદના એસ.જી. હાઈવે પર પકવાન ઓવર બ્રિજ પર ગત 27મી માર્ચના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 47 વર્ષીય વ્યક્તિનું આજે (ત્રીજી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ અકસ્માતના વીડિયોએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી. જોકે, પોલીસે આ મામલે કારચાલકની ધરપકડ કરી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય કમલેશભાઈ પાણખાણિયા ગત 27મી માર્ચના રોજ પકવાન ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફ જઈ રહેલી એક પૂરઝડપે આવતી કારે તેના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ આ અકસ્માતના વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી ભયાનક હતી કે આખું બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. માનવતા નેવે મૂકીને કારચાલકે ગાડી ઉભી રાખવાને બદલે, ફસાયેલા બાઈક સાથે જ કારને હંકારી મૂકી હતી અને બાઈકને ઢસડતી હાલતમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ
ઈજાગ્રસ્તે સારવાર દરમિયાન તોડ્યો દમ
આ અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને છાતી, કમર, માથું અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા સાત દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે (ત્રીજી એપ્રિલ)ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આરોપીની ધરપકડ
હિટ એન્ડ રનની આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસે આ મામલે 31 વર્ષીય રોહન રશ્મિકાંત પટેલની ધરપકડ કરી હતી. રોહન પટેલ થલતેજના સૂરધારા સર્કલ નજીક મણિચંદ્ર સોસાયટીનો રહેવાસી છે અને મેટલ ટ્રેડિંગ (ધાતુના વેપાર) ના વ્યવસાય સાથે સંકળાયેલો છે.















