![]()
Ahmedabad Bapunagar Violence: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. પેરોલ પર બહાર આવેલા રીઢા ગુનેગારે તેના સાગરીતો સાથે મળીને ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને એક વૃદ્ધને લોખંડની પાઈપ વડે ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
જેલની મિત્રતા અને પૈસાની ઉઘરાણી બની વિવાદનું કારણ
મળતી માહિતી અનુસાર, આ હિંસક હુમલા પાછળ જેલની મિત્રતા અને પૈસાની લેતીદેતી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી નલીન મિસ્ત્રીનો પુત્ર દેવાંગ અગાઉ સાબરમતી જેલમાં હતો, જ્યાં તેની મુલાકાત આરોપી જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી સાથે થઈ હતી. પેરોલ પર બહાર આવેલા જીગરે ગત 28મી માર્ચના રોજ દેવાંગ પાસે ‘ખર્ચા’ના પૈસાની માંગણી કરી હતી, જે બાબતે બંને વચ્ચે નિકોલમાં ઘર્ષણ થયું હતું.
આ જૂની અદાવત રાખીને 30મી માર્ચની મોડી રાત્રે જીગર કાઠીયાવાડી, તેનો ભાઈ સેવુલ પટેલ અને અન્ય સાગરીતો હથિયારો સાથે નલીનભાઈના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ત્યાં તોડફોડ શરૂ કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલી ભાજપ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રાખેલી તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં તોડફોડ કરી હતી.
અસામાજિક તત્ત્વોએ આસપાસ પાર્ક કરેલા રહીશોના વાહનોના કાચ તોડી નાખ્યા હતા. દેવાંગ ન મળતા આરોપીઓએ તેના પિતા નલીનભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડની પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
આ પણ વાંચો: સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક
સીસીટીવીના આધારે પોલીસની કાર્યવાહી
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાપુનગર પોલીસે નલીનભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોર્પોરેટરની ઓફિસની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં આરોપીઓ તોડફોડ કરતા કેદ થયા છે. હાલમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.















