![]()
Ahmedabad Crime News: અમદાવાદના વાસણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુપ્તાનગર પાસે આવેલા ભરવાડવાસમાં ગત મોડી રાત્રે ઊંઘી રહેલા 25 વર્ષીય યુવકની અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના મૃતકની 19 વર્ષીય બહેનની નજર સામે બની હતી, જેણે ભાઈને બચાવવા બૂમાબૂમ કરી હતી પરંતુ હત્યારો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પરિવાર ઘરની બહાર સૂતો હતો અને ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને છેલ્લા 20 વર્ષથી વાસણામાં ભાડે રહેતા આ શ્રમિક પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. મૃતક હિતેશ સાણંદમાં ફર્નિચરના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તે રાબેતા મુજબ પરિવાર સાથે ઘરની બહાર ખુલ્લામાં પલંગ પર સૂતો હતો. ગત મોડી રાત્રે જ્યારે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અજાણ્યા શખસે હિતેશ પર હુમલો કર્યો હતો.
બહેને નજરે જોયો ભાઈનો હત્યારો
મૃતકની 19 વર્ષીય બહેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, રાત્રે હિતેશને માર મારવાનો અવાજ આવતા મારી ઊંઘ ઉડી ગઈ હતી. મે જોયું કે જેકેટ અને માથા પર ટોપી પહેરેલો એક પાતળો શખસ હિતેશના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી રહ્યો હતો. મે બૂમો પાડતા આસપાસના લોકો અને પરિવારજનો જાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં હત્યારો ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં હિતેશને સારવાર મળે તે પહેલા જ 108ના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા
ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. હિતેશના પરિવારના સભ્યો અને પડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવાની અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.















