![]()
Sanand News: અમદાવાદના સાણંદમાં MD ડ્રગ્સના વેપલાનો સાણંદ પોલીસે પર્દાફાશ કર્યો છે. કપડાંની દુકાનની આડમાં ચાલતા આ નશાના વેપલામાં પોલીસે સ્થાનિક દુકાનદાર સહિત ડ્રગ્સ સપ્લાય કરતી રાજસ્થાનની એક મહિલા અને અન્ય બે શખ્સો મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે, પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાણંદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ધવલ ઉર્ફે લવલી મનુભાઇ દરજી નાળાની નજીક ખાતે આવેલી પોતાની બાબા ફેશન નામની કપડાંની દુકાનમાં MD ડ્રગ્સનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો, જેમાં આરોપી ધવલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રગ્સની સપ્લાય ચેઇનનો પણ ખુલાસો થયો હતો. ધવલ આ ડ્રગ્સ રાજસ્થાનના ઉદેપુરની ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, બનાસકાંઠાના ડીસાના વીકીકુમાર ઠાકોર અને અમદાવાદના બાપુનગરના જય પટેલ પાસેથી લાવતો હતો. પોલીસે આ ત્રણેય સપ્લાયરોને પણ ઝડપી પાડ્યા છે.
પોલીસે રેડ દરમિયાન દુકાનમાંથી 21.48 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની બજાર કિંમત આશરે રૂપિયા 2,14,800 છે. આ ઉપરાંત, ગ્રાહકોને ડ્રગ્સ આપવા માટે રાખવામાં આવેલી ખાલી પ્લાસ્ટિકની ઝીપલોક વાળી પડીકીઓ અને એક મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 2,44,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.















