Amreli News: ગુજરાતના અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં એક પછી એક 7 ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ફેલાયું છે. વહેલી સવારના 4:15 થી 8:00 વાગ્યા સુધી ધરા સતત ધ્રૂજતી રહી હતી.
ક્યારે અને કેટલી તીવ્રતાના આંચકા આવ્યા?
ગાંધીનગર સિસમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આંચકાઓની શ્રેણીબદ્ધ રીતે આવ્યા હતા.
વહેલી સવારે 04:15: 1.8 ની તીવ્રતા
વહેલી સવારે 04:16: 2.3 ની તીવ્રતા
વહેલી સવારે 04:24: 1.0 ની તીવ્રતા
વહેલી સવારે 04:57: 1.4 ની તીવ્રતા
સવારે 07:00: 2.2 ની તીવ્રતા
સવારે 07:15: 3.58 ની તીવ્રતા (સૌથી શક્તિશાળી આંચકો)
સવારે 07:51: 1.5 ની તીવ્રતા
આ પણ વાંચો: ઈરાન યુદ્ધમાં સીઝફાયર છતાં ટ્રમ્પની વધી મુશ્કેલી, 85 સાંસદોએ માગ્યું રાજીનામુ, સત્તા ગુમાવશે?
કયા વિસ્તારોમાં અસર જોવા મળી?
મીતીયાળા ગામ આ આંચકાઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ ઉપરાંત આસપાસના ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધીના ગામોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને સવારે 7:15 વાગ્યે આવેલા 3.58ની તીવ્રતાના આંચકાએ લોકોને ઊંઘમાંથી જગાડી દીધા હતા અને લોકો જીવ બચાવવા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
લોકોમાં ફેલાયો ભય
મીતીયાળા પંથકમાં આ રીતે સતત 4 કલાકમાં 7 વાર ભૂકંપ આવવાની આ પ્રથમ ઘટના છે. વારંવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં એવી દહેશત છે કે શું આ કોઈ મોટા ભૂકંપના એંધાણ છે? હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ તંત્ર દ્વારા સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.















