![]()
વડોદરાઃ અલકાપુરી વિસ્તારના એક સોનીને તેના કઝીન મારફતે આવેલા અમદાવાદના વેપારીએ છ દિવસના ગાળામાં ૧૭.૮૩ લાખની ચાંદી ખરીદી ચૂનો ચોપડતાં આખરે સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દ્વારકેશ કોમ્પ્લેક્સમાં અલંકાર આર્ટના નામે ચાંદીનો વેપાર કરતા કલ્પેશ ઝીંઝુવાડિયાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૬મી ડિસેમ્બરે મારા કઝીન હિરેન પાટડીયાને લઇ અમદાવાદનો કાપડનો વેપારી દર્શન સુરેશભાઇ વોરા(મિતુલ એપાર્ટમેન્ટ, આનંદનગર સોસાયટી,પાલડી ભઠ્ઠા)મારી દુકાને ચાંદી લેવા માટે આવ્યો હતો.
મારા કઝીને તેના વખાણ કરી ખાતરી આપતાં મેં રૃ.૧૨.૬૨ લાખની કિંમતના ચાંદીના ૨૩ સેટ આપ્યા હતા.ત્યારબાદ આ સેટ તેણે વેચી દીધા હતા અને મારા કઝીનને રૃ.૫૦ હજાર તેમજ બે ચેક આપ્યા હતા.પરંતુ આ ચેક બે દિવસ પછી બેન્કમાં જમા કરાવવા કહ્યું હતું.ત્યારબાદ તેણે બીજા દિવસે બીજી રૃ.૨.૦૬ લાખની ચાંદી ખરીદી હતી.
બધી રકમ એક સાથે આપી દઇશ તેમ કહી દર્શને ફરી ત્રણેક દિવસ બાદ દોઢકિલો ચાંદી માગતા મેં મારા બનેવી મારફતે તેને રૃ.૩.૧૪ લાખની ચાંદી આપી હતી.પરંતુ ત્યારપછી તે ગોળગોળ જવાબો આપી રહ્યો છે અને કેટલીકવાર ફોન પણ ઉપાડતો નથી. જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.















