કલર પિચકારીમાં 10- 15 ટકાનો ભાવવધારો : સ્વિચ દબાવતા જેટ ગતિએ પાણી, કલરની છોળ ઉડાવતી પિચકારી : ગુલાલ સહિત ઓર્ગેનિક કલરની માંગ : ભાવ વધારો છતાં ખરીદીનો ઉત્સાહ
જૂનાગઢ, : હોળી-ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી છે. જૂનાગઢની બજારમાં વિવિધ વેરાઇટીની પિચકારીઓ આવી ગઈ છે. કાર્ટુન ઉપરાંત ગદા, ત્રિશુલ, છત્રી, માછલી, ફરસી, ડમરૂ, વાસળી, તલવાર સહિતની અવનવી પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. યુવાઓમાં ગુલાલ હોટ ફેવરિટ છે. આ ઉપરાંત હર્બલ ઓર્ગેનિક કલરની માંગ છે.
રંગોના પર્વ ધુળેટીને આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે. બાળકોથી લઈ સિનિયર સિટીઝનોમાં રંગોત્સવ ઉજવવા આતુરતા જોવા મળી રહી છે. ધુળેટી પર્વને લઈ બજારમાં પિચકારી, કલર સહિતની ચીજોનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં અવનવી ડિઝાઇનની પિચકારીઓ જોવા મળી રહી છે. કાર્ટૂન કેરેક્ટર થીમ ઉપરાંત આ વર્ષે હનુમાનજીની ગદા, ત્રિશૂળ, તલવાર, ફરસી, હથોડી, પોપટલાલની છત્રી, માછલી, વાસળી, ડમરૂ, છોટા ડોરેમોન અને ભીમ, ભાલા સહિતની ડિઝાઇનિંગ પિચકારી દ્વારા બાળકોમાં રંગ પર્વની ઉજવણીનો જંગ જામશે. પિચકારી અને કલરના વેપારી કિશોરભાઈએ જણાવ્યું હતું કે ધાર્મિક થીમ ઉપરાંત મશીનગન, પ્રેશરગન, સ્વીચ ગન, ટેન્ક, ભોપુ, પબ્જી, ડાયનોસોર, ફિશ, એલીફન્ટ, ક્રોકોડાઈલ, બાર્બી ડોલ, સ્પાઇડરમેન સહિતના કાર્ટૂન કરેક્ટર ઉપરાંત ફિલ્મી કલાકારો અને ક્રિકેટરો દર્શાવતી અને સ્કૂલબેગની જેમ લટકાવી શકે તેવી ડિઝાઇનવાળી પિચકારી સહિતની 50થી વધુ વેરાયટી છે. રૂા. 70થી લઈ રૂા. 450 સુધીની પિચકારી છે.
પ્લાસ્ટિકમાં ભાવ વધતાં પિચકારીના ભાવમાં 10 ટકા વધારો થયો છે. પિચકારી ઉપરાંત મોઢેથી ફુલાવવાના બદલે નળ નીચે રાખવાથી પાણીથી ઓટોમેટીક 150થી 500 ફુગ્ગા ફુલાય તેવા નોઝલ ફુગ્ગા, ગુલાલ નોઝલ સ્પ્રે, મેજિક બંધુક ગન કે જેની એક જ ચાપ દબાવતા જેટ ગતિએ પાણી તથા કલરની છોળ ઉડશે.
યુવાનો હર્બલ કલરનો ઉપયોગ કરતાં થયા છે. રંગોના ભાવમાં કોઈ ખાસ્સો વધારો થયો નથી. સામાન્ય રીતે મોમા કલર જવાથી એલર્જી કે ઇન્ફેક્શન થવાની પણ શક્યતા છે. પરંતુ મકાઈના પાવડરમાંથી તૈયાર કરેલા ઓર્ગેનિક કલર ખાઈ જવાથી કોઈ નુકસાની થતી નથી જેથી ઓર્ગેનિક કલરની ખરીદીની બોલબાલા છે. ગુલાલ તો ઓલટાઈમ ફેવરિટ હોય જેથી કલરની અવેજીમાં ગુલાલની પણ પસંદગી થઈ રહી છે. હાલ મુખ્યત્વે પિચકારીની જ ખરીદી કરવામાં આવે છે પરંતુ અંતિમ બે દિવસમાં કલરની ખરીદી વેગ પકડશે તેવી આશા સેવી છે.
મહિલાઓમાં ફેસ માસ્ક લગાવવાનો ટ્રેન્ડ
ધૂળેટીમાં ઉજવણી દરમ્યાન ચહેરા પર કલર ન લાગે તેના માટે ફેસમાસ્ક લગાવવાનો પણ ટ્રેન્ડ વધી રહ્યો છે. આ ઉપરાંત મહિલાઓ રંગોત્સવ પર્વની ઉજવણી પૂર્વે ચહેરાને નિખાર લાવવા તથા કેશ મુલાયમ રહે તે માટે સ્ટ્રેટનીંગ કરવા માટે બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે.















