![]()
મુંબઈ : જાન્યુઆરીમાં અમેરિકા ખાતે ભારતની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ ઘટી હોવા છતાં અન્ય દેશોમાં વેચાણ વૃદ્ધિન પરિણામે એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા વધી ૧૦.૪૦ અબજ ડોલર રહેવા પામી છે.અમેરિકા ખાતે એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ જાન્યુઆરીમાં ૬.૮૦ ટકા ઘટી ૧.૫૧ અબજ ડોલર રહી છે. ૨૦૨૫ના જાન્યુઆરીમાં આ આંક ૧.૬૨ અબજ ડોલર રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં એન્જિનિયરિંગ માલસામાનની એકંદર નિકાસ ૪.૫૨ ટકા વધી ૧૦૧.૧૩ અબજ ડોલર રહી હોવાનો એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં જાન્યુઆરીના અંતે એન્જિનિયરિંગ નિકાસ ૧૦૦ અબજ ડોલરને પાર કરી ગઈ છે. સાનુકૂળ સ્તરને કારણે નિકાસમાં વધારો જોવા મળ્યો હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. અમેરિકાને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં એન્જિનિયરિંગ નિકાસમાં ફરી વધારો જોવા મળ્યો છે. બદલાઈ રહેલા ભૌગોલિકરાજકીય સમીકરણો વચ્ચે વૈશ્વિક વેપારમાં ઊલટફેર થઈ રહ્યા છે ત્યારે ભારત માટે આ એક રાહતના સમાચાર છે. વર્તમાન નાણાં વર્ષના અંતે ભારતની એન્જિનિયરિંંગ નિકાસ એકંદર ૧૨૦ અબજ ડોલરના આંકને પાર કરી જવા અપેક્ષા છે. નિકાસ વધારવા સરકાર દ્વારા પૂરા પડાતા પ્રોત્સાહન ખાસ કરીને માર્કેટ એકસેસ સ્કીમને કારણે નિકાસમાં વધારો શકય બન્યો છે.
દેશમાંથી માલસામાનની એકંદર નિકાસમાં એન્જિનિયરિંગનો હિસ્સો જાન્યુઆરીમાં ૨૮.૫૦ ટકા રહ્યો હતો, જ્યારે એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં આ આંક ૨૭ ટકા રહ્યો છે.
ભારતના એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ માટે ટોચની ૨૫ બજારોમાંથી ૧૯ બજારોમાં જાન્યુઆરીમાં નિકાસ વૃદ્ધિ પોઝિટિવ રહી છે જ્યારે છ દેશોમાં નિકાસ વૃદ્ધિ નેગેટિવ જોવા મળી હોવાનું પણ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
અમેરિકા ખાતે નિકાસમાં ઘટાડો છતાં, ભારતના એન્જિનિયરિંગ માલસામાન માટે તે દેશની ટોચની બજાર રહી છે. અમેરિકા ઉપરાંત મેક્સિકો, ફ્રાન્સ, તુર્કી, બાંગલાદેશ ખાતે પણ નિકાસમાં ઘટાડો થયો છે.















