![]()
વડોદરાઃ રાજ્યોની વિવિધ સરકારી યુનિવર્સિટીઓની રજૂઆત બાદ રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એકટમાં સુધારા વધારા કરવાની કવાયતના ભાગરુપે એક કમિટિ બનાવી છે.આ કમિટિના સભ્ય અને સુરતની કોલેજના અધ્યાપક ડો.કેતન દેસાઈએ આજે એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને ફેકલ્ટી ડીન, હેડ, અધિકારીઓ, અધ્યાપકોના મંતવ્યો જાણ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટી ડીનની બેઠકમાં એક ડીને રજૂઆત કરી હતી કે, કોમન એકટમાં યુનિવર્સિટીની સ્વાયત્તાને ધ્યાનમાં રાખવામાં આવી નથી.એમ પણ કોમન એકટ લાગુ કરીને સરકારે અભ્યાસક્રમ તૈયાર કરવાની અને પ્રવેશ કાર્યવાહી પણ પોતાને હસ્તક રાખી છે તો હવે યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર રાખવાની જરુર જ શું છ?બીજી તરફ યુજીસી તો કહે છે કે, યુનિવર્સિટીઓ સ્વાયત્ત રીતે કામ કરી શકે છે.
એવી પણ રજૂઆત થઈ હતી કે, એમ.એસ.યુનિવર્સિટીમાંં એફિલિએટેડ કોલેજો અસ્તિત્વ ધરાવતી નથી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સભ્ય તરીકે કોલેજોના આચાર્યોને મહત્તમ જગ્યાઓ ફાળવવામાં આવી છે.આમ એમ.એસ.યુનિવર્સિટી માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝ માટે અલગ માળખુ બનાવવામાં આવે.
રિસર્ચ માટેનું ગાઈડન્સ અધ્યાપકોના વર્કલોડમાં નથી ગણાતુંં
અધ્યાપકો માટે રજૂઆત થઈ હતી કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા અપાતા રિસર્ચ ગાઈડન્સની ગણતરી વર્કલોડમાં થતી નથી.આ બાબત પર પુનઃ વિચારણા થવી જોઈએ.ઉપરાંત નવી શિક્ષણ નીતિના માળખામાં જૂના માળખા જેવી ફ્લેક્સિબિલિટી નથી.ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ, ઓન જોબ ટ્રેનિંગ, ત્રણ પ્રકારના માસ્ટર કોર્સ જેવી ઘણી બાબતોનો અમલ કરવાનો થતો હોવાથી યુનિવર્સિટીઓને વધારે સ્ટાફ ફાળવવાની જરુર છે.















