![]()
અમદાવાદ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ઝડપથી ખરાબ થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ખતરો અને શિપિંગમાં વિક્ષેપને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના પુરવઠા પર દબાણની સાથે ભારતના બાસમતી ચોખાની નિકાસ પર પણ ગંભીર અસર પડી છે.
ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ભારતથી ખાડી દેશોમાં મોકલવામાં આવતા આશરે ૪૦૦,૦૦૦થી ૬૦૦,૦૦૦ ટન બાસમતી ચોખા ભારતીય બંદરો પર અથવા ગંતવ્ય દેશોના બંદરો પર પરિવહનમાં અટવાઈ ગયા છે. સામાન્ય રીતે, ખાડી દેશોમાં ચોખા પહોંચવામાં લગભગ ૪૦ દિવસ લાગે છે, પરંતુ વર્તમાન કટોકટીએ આ સમગ્ર પ્રક્રિયાને ખોરવી નાખી છે.
વેપાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો કેટલાક નિકાસકારો ‘ફોર્સ મેજ્યુર’ ક્લોઝનો સહારો લઈ શકે છે. આ જોગવાઈ યુદ્ધ અથવા કુદરતી આફતો જેવા અણધાર્યા સંજોગોમાં કરારની શરતોમાંથી કામચલાઉ રાહત પૂરી પાડે છે.
ભારત વાર્ષિક ૬૦ લાખ ટનથી વધુ બાસમતી ચોખાની નિકાસ કરે છે, જેમાંથી આશરે ૭૦ ટકા સાઉદી અરેબિયા, ઈરાન અને યુએઈ જેવા ખાડી દેશોમાં જાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, કુલ ૬૦.૬૫ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી, જેની કિંમત રૂ. ૫૦,૫૦૦ કરોડ આસપાસ હતી.
અટવાયેલા ચોખાની અંદાજિત કિંમત ૫,૦૦૦થી ૬,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. શિપિંગ કંપનીઓના વીમા કવરેજ રદ થવાને કારણે અને જોખમ વધવાને કારણે કન્ટેનર નૂર દર બમણાથી વધુ થઈ ગયા છે. પરિણામે, નિકાસકારોએ હાલના કોન્ટ્રાકટોને પ્રાથમિકતા આપીને નવા બુકિંગ અને પેકિંગ બંધ કરી દીધા છે.
રેકોર્ડ ઉત્પાદન વચ્ચે ઘટતી માંગને કારણે બાસમતીના ભાવ પહેલાથી જ લગભગ ૬ ટકા ઘટી ગયા છે. નિષ્ણાતો માને છે કે જો નિકાસ ખોરવાશે, તો સ્થાનિક બજારમાં પુરવઠો વધવાને કારણે ભાવ વધુ ઘટી શકે છે. જોકે, પરિસ્થિતિ સામાન્ય થતાંની સાથે જ ગલ્ફ દેશોમાં માંગ ફરી વધી શકે છે.















