Gujarat Post Office Bomb Threat: ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (27મી ફેબ્રુઆરી) સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે.
પાસપોર્ટ ઓફિસમાં સઘન સર્ચ ઓપરેશન
મળતી માહિતી અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરી હતી. પાસપોર્ટ કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં ફાળફાળ વ્યાપી ગઈ હતી. જો કે, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી તપાસ ચાલુ રાખી છે.

આ પણ વાંચો: રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ
ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસો નિશાન પર
સુરત, વલસાડ બાદ ભાવનગર અને અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું છે. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ મેઈલ દ્વારા ધમકી મળી હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. અહીં ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ધમકી
જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેને લઈને એલ.સી.બી., એસ.ઓ.જી., ફોગસ્કોડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું, અને ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હોવાથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. પોસ્ટ ઓફિસમાં હાજર રહેલા તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં આવેલા મુલાકાતીઓને પણ બહાર બોલાવી લઈ સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી કશું વાંધાજનક મળ્યું નથી.
હિંમતનગર પાસપોર્ટ ઓફિસને ધમકી
સાબરકાંઠાના હિંમતનગર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેઈલથી પાસપોર્ટ ઓફીસ ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને બી ડિવિઝન પોલીસ, એસ.ઓ.જી, બી.ડી.એસ અને ફાયર વિભાગની ટીમ પાસપોર્ટ ઓફિસ પહોંચીને તપાસ હાથ ધરાઈ હતી. તકેદારીના ભાગરુપે પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરાયો હતો.
રાજપીપલા પાસપોર્ટ ઓફિસને ધમકી
રાજપીપલા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેઈલ મારફતે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી હતી. ફાયર વિભાગની ટીમ બોમ્બ સ્કોડ સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોસ્ટઓફિસ માજ પાસપોર્ટ ઓફીસ આવેલ હોવાથી બંને ઓફિસો ખાલી કરાવી કરાઈ હતી.
વલસાડ હેડ પોસ્ટ ઓફિસને મળી ધમકી
બીજી તરફ વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. બોમ્બની ધમકીના પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ધમકીનો કોલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા છે.
એકસાથે વિવિધ શહેરોમાં મળેલી આ ધમકીઓ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે પછી કોઈની ટીખળ, તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. રાજ્યભરમાં મહત્વની સરકારી કચેરીઓ અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.















