No Fuel Shortage in Gujarat: રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત હોવાની ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને વિતરણમાં કોઈ અવરોધ નથી. સાથોસાથ, હોટલ-રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોમર્શિયલ LPGના જથ્થામાં પણ વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ઈંધણના વિતરણ પર કોઈ પ્રતિબંધ કે રેશનિંગ નથી. લોકો ખોટી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો ન લગાવે તેવી વિનંતી કરવામાં આવી છે. કિંમતોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.



કોમર્શિયલ LPGના વિતરણમાં ફેરફાર
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથેની બેઠક બાદ સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરની ફાળવણીમાં 10 ટકાથી વધારીને 25 ટકા સુધીનો વધારો કર્યો છે. જે વિસ્તારોમાં હજુ PNG નેટવર્ક પહોંચ્યું નથી ત્યાં ફિશરીઝ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ- ઢાબા, હોટલ ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં 25 ટકા, ડેરી ઇન્ડસ્ટ્રી 70 ટકા અને હોસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકાની ફાળવણી નક્કી કરાઈ છે.
આ પણ વાંચો: વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ
PNG નેટવર્કને પ્રોત્સાહન
સરકારે શહેરી વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના જોડાણો વધારવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં હાલ 1200થી વધુ કોમર્શિયલ અને 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક PNG જોડાણો કાર્યરત છે. આગામી 3 મહિનામાં વધુ 900 સોસાયટીઓને PNG નેટવર્કમાં આવરી લેવાનું આયોજન છે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ છે, ત્યાં વપરાશકર્તાઓએ LPG કનેક્શન સરેન્ડર કરવા પડશે. નવા PNG જોડાણ માટે CGD કંપનીઓ કામગીરી પૂર્ણ કરશે.
ગેરરીતિ ડામવા કડક સૂચના
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી ચાલી રહી છે. કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને સૂચના અપાઈ છે કે કોઈ પણ સ્તરે સંગ્રહખોરી કે કાળાબજાર ન થાય.















