![]()
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર સેક્ટર-૨૧ પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ગઈકાલે સાંજે માર્ગ અકસ્માતની એક ગંભીર
ઘટના સામે આવી છે, જેમાં એક
અજાણ્યા વાહન ચાલકની બેદરકારીએ વૃદ્ધનો ભોગ લીધો છે. ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે રસ્તો
ઓળંગી રહેલા વૃદ્ધને લઈને અજાણ્યો વાહન ચાલક કરાર થઈ ગયો હતો. જે સંદર્ભે હાલ
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે શહેરના ઘ માર્ગ ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રસ્તો ઓળંગી
રહેલા નિવૃત્ત સરકારી કર્મચારીનું મોત થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મૂળ સેક્ટર-૧૪ના રહેવાસી અને મહેસૂલ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ૮૬
વર્ષીય દેવજીભાઈ નારણભાઈ વાઘેલા ગઇકાલે સાંજના ઘ-૪ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ
સમયે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી. આ
ટક્કર એટલી ભયાનક હતી કે દેવજીભાઈને માથાના પાછળના ભાગે, હાથ અને બંને પગે
ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ
ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. કોઈ રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા દેવજીભાઈને
તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને
આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ રાત્રે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના
પુત્ર બાબુભાઈ દેવજીભાઈ વાઘેલાની ફરિયાદના આધારે પોલીસે ફરાર થઈ ગયેલા અજાણ્યા
વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.















