![]()
અમદાવાદ, ગુરુવાર
પૂર્વ વિસ્તારમાં તસ્કર ટોળકી દિવસે રેકી કરીને રાતે બંધ મકાનના ટાર્ગટ કરીને ચોરીને અંજામ આપી રહી છે. જશોદાનગરમાં વૃદ્ધ દંપતિ વડોદરા પોતાની દિકરીના ઘરે પ્રસંગમાં ગયા હતા અને તસ્કરો મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૧.૯૦ લાખની ચોરી કરી હતી તેમજ શાહઆલમમાં વૃદ્ધા પણ તેમની દિકરીના ઘરે ગયા હતા આ સમયે તેમના ઘરમાં પણ તસ્કરોએ ત્રાટકીને તિજોરીમાંથી રોકડા રૃા. ૧૦ હજાર અને દાગીના સહિત રૃા. ૮૨ લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસ તથા દાણીલીમડા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.
જશોદાનગરમાં વૃદ્ધ દંપતિ દિકરીના ઘરે જતા તિજોરી સાફ ઃ શાહઆલમમાં વૃદ્ધા દિકરીના ઘરે ગયાને તાળા તૂટયા ઃ પોલીસ તપાસ શરુ કરી
જશોદાનગરમાં રહેતા વૃદ્ધે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધ દંપતિ તા. ૫ના રોજ વડોદરા તેમની દીકરીના ઘરે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યારબાદ દીકરીની સાસરીમાં જ રોકાય ગયા હતા. આ દરમિયાન તેમના ઘરમાં રસોડાના દરવાજાનું લોક તોડીને ઘરમાં પ્રવેશીને તસ્કરોએ તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૧.૯૦ લાખની મતાની ચોરી કરી હતી.
બીજા બનાવમાં શાહઆલમમાં રહેતા વૃદ્ધાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધ વિધવા તા. ૪ના રોજ પોતાની દિકરીના ઘરે રહેવા ગયા હતા અને તા.૮ના રોજ ઘરે પરત આવ્યા ત્યારે ખબર પડી કે તેમના મકાનમાં તસ્કરોએ ત્રાટકીને મકાનના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશીને તિજોરી તોડીને તેમાંથી રોકડા રૃા. ૧૦,૦૦૦ તથા સોના-ચાદીના દાગીના મળી કુલ રૃા. ૮૨ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી.















