![]()
વગર ડિપોઝિટે કનેક્શન આપવાના નિર્ણયનો ઉલાળિયો : તા. 31 માર્ચ સુધીમાં નવું કનેક્શન લેનારને 500 રૂપિયાનો ગેસ મફત આપવા પણ જાહેર થયું હતું પરંતુ કંપની પરિપત્રની રાહમાં
જૂનાગઢ, : કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ બે દિવસ પહેલા જાહેરાત કરી કે, તા.૩૧ માર્ચ સુધીમાં જે નવું કનેક્શન લેશે તેની પાસે ગેસ કંપની સિક્યુરીટી ચાર્જ નહી લે અને 500 રૂપીયા સુધીનો ગેસ ફ્રી આપવામાં આવશે પરંતુ આ નિર્ણયની કોઈપણ જાતની અમલવારી કરવામાં આવતી નથી. જૂનાગઢના નાગરિકોએ ટોરેન્ટ ગેસ કંપનીમાં આ અંગે સંપર્ક કરતા તેઓએ આવી કોઈ જોગવાઈ ન હોવાનું ગ્રાહકોને જણાવતા રોષ ભભૂક્યો છે.
ગેસ કંપનીઓ દાવો કરે છે કે, હજુ સુધી સરકાર દ્વારા આ અંગેનો કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી, જ્યાં સુધી પરિપત્ર નહી થાય ત્યાં સુધી તેની અમલવારી નહી થાય. જૂનાગઢમાં હાલ માત્ર એક જ પીએનજી કંપની દ્વારા ગેસની લાઈન નાખવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં લાઈન નખાઈ ગઈ છે. એક તરફ સરકારી તંત્ર લોકોને ગેસની લાઈન લેવા અપીલ કરી રહ્યું છે બીજી તરફ કંપની પોતાની મનમાની ચલાવે છે. જૂનાગઢના નાગરિકોએ આજે ટોરેન્ટ ગેસ કંપનીમાં નવા કનેક્શન અંગે તપાસ કરી તો અગાઉની જેમ 6100 સિક્યુરીટી ડિપોઝીટ ભરવાનો આગ્રહ રાખ્યો છે ત્યારે ગ્રાહકોએ પેટ્રોલીયમ મંત્રાલયના સંયુક્ત સચિવના નિર્ણય અંગે પૂછ્યું તો કંપનીના જવાબદારોએ આવી કોઈ સ્કિમ ન હોવાનો દાવો કરી સિક્યુરીટી ડિપોઝીટ વગર કનેક્શન આપવાનો ઈન્કાર કરતા વિવાદ છેડાયો છે.
એક તરફ સરકાર ગેસના બાટલાઓ નાબુદ કરી નવી લાઈન મારફત કનેક્શન આપવા પ્રયાસો કરે છે બીજી તરફ ગેસ કંપનીઓ સરકારના નિર્ણયોનું પાલન કરતી નથી. આવા બેવડા ધોરણોથી જૂનાગઢના સેંકડો ગ્રાહકોમાં ભારે રોષ સાથે નારાજગી વ્યાપી છે. નવું કનેક્શન લેવા માંગતા ગ્રાહકોએ જણાવ્યું છે કે, જો આવી કોઈ સ્કિમ હોય જ નહી તો સરકારના મંત્રીઓ શા માટે પ્રજાને આવી લોલીપોપ આપે છે અને જો આવી સ્કિમ હોય તો ગેસ કંપનીઓ શા માટે વગર ડિપોઝીટે કનેક્શન આપતી નથી ? એક તો આ સ્કિમ માટે માત્ર ચાર-પાંચ દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે તેમાંય કંપનીઓ આવા નાટક કરે તેમાં પ્રજાને મુશ્કેલી થાય છે.















