અમદાવાદ, ગુરૂવાર
મ્યાંનમાર, કમ્બોડિયા જેવા દેશમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં કામ કરીને ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં રહેતા યુવકોને ઉંચા પગારની ઓફર આપીને બેંગકોક બોલાવીને સાયબર ક્રાઇમમાં ફસાવવાના મામલે ઝડપાયેલા ધુ્રવ ડોબરિયા અને કૌશિક પેથાણીની પુછપરછમાં સ્ટેટ સાયબર ક્રાઇમને ચોંકાવનારી માહિતી મળી છે. જેમાં જાણવા મળ્યું હતું કે કમ્બોડિયા , મ્યાંનમાર સહિતના દેશમાં સ્થાનિક તંત્રના દરોડા વધતા જ્યોર્જિયા અને દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદે કોલ સેન્ટર શરૂ કરવાની યોજના હતી. આ માટે બંને જણા વિવિધ દેશોમાં અનેકવાર જઇ ચુક્યા હતા. ત્યારે આ મામલે પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.
બેંગકોકમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે ગુજરાત તેમજ અન્ય રાજ્યોના યુવકોને લાલચ આપીને કમ્બોડિયા, મ્યાંનમારમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડનું કામ કરાવવા માટે મજબુર કરતા ધુ્રવ ડોબરિયા (રહે. આર પી બંગ્લોઝ, કામરેજ ચાર રસ્તા, સુરત) અને કૌશિક પેથાણી (રહે. સાંઇ મિલન રેસીડેન્સી, મોટા વરાછા, સુરત) સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ધુ્રવ અને કાશિક પેથાણી નામના યુવક અંગે નોકરી માટે બેગકોક ગયા હતા. જ્યાં ચાઇનીઝ ગેંગના મુખ્ય આરોપીઓ સાથે વિશ્વાસ કેળવીને પહેલા ટીમ લીડર બન્યા હતા અને બાદમાં તેમણે જ ભારતમાંથી યુવાનોને નોકરીના નામે બોલાવીને ફસાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ બંને જણા ત્યાં ચાલતા કોલ સેન્ટરના મુખ્ય સંચાલક બની ગયા હતા.
સાથે સાથે મ્યાંનમાર, કમ્બોડિયામાં અન્ય દેશોની એજન્સીઓની દરમિયાનગીરી વધતા બંને જણા ચાઇનીઝ ગેંગ સાથે ભાગીદારી કરીને જ્યોજિયા અને દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદે કોલ સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં હતા. આ માટે બંને જણા અનેક વાર મુલાકાતે પણ જઇ આવ્યા હતા. તેમજ ગુજરાતમાં અન્ય એજન્ટો સાથે મીટીંગ કરીને વધુ યુવકોને નોકરી માટે શોધી લાવવા માટે સુચના આપી હતી.ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.















